ગાંધીનગર-

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે બપોરે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ રાજ ભનવ જશે.

રાજ ભવનથી સાંજે પાંચ વાગ્યે મહાત્મા મંદિરના  પરિસરમાં પ્રદર્શન કક્ષમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને ત્યાંથી તેઓ રાજ ભવન પરત ફરશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 24 મી તારીખે મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ મેચ નિહાળીને અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિના આગમનને લઇને ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  સેન્ટ્રલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની તૈયારીઓ ફુલ જોશમાં મહાત્મા મંદિરમાં કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ યુનિવર્સિટીના 244 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદવી એનાયત કરાશે.