દિલ્હી-

ભારતની રસી કોરોના સામે અસરકારક હોય તો વડાપ્રધાન સહિત ભાજપના નેતાઓએ તે પહેલા મુકાવવી જોઈએ એવી વિપક્ષની ટીકાનો જવાબ આજે વડાપ્રધાન મોદીએ પોતે રસીકરણ કરાવીને આપ્યો હતો. મોદીએ આજે દિવસના કાર્યક્રમોની શરૂઆત જ કોરોના રસી મૂકાવવાથી કરી હતી. વહેલી સવારે 6-30 વાગ્યે વડાપ્રધાન મોદી દિલ્હી એઈમ્સ ખાતે પહોંચી ગયા હતા અને પોતે કોવેક્સિનની રસી લગાવી હતી. તેમણે તેનો પહેલો ડોઝ લીધો હતો. હવે 28 દિવસ પછી તેમને બીજો ડોઝ આપવામાં આવશે. 

રસીકરણ કરાવ્યા બાદ મોદીએ પોતાની એ તસવીરને સોશ્યલ મિડિયા પર શેર કરી હતી. મોદીએ પોતાના આ કદમથી લોકોના મનમાં ભારતની કોવેક્સિન રસી બાબતે જે શંકાઓ હતી તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેમણે એ વિપક્ષોને પણ જવાબ આપ્યો હતો જેમણે ભારત દ્વારા કોવેક્સિન રસીને તત્કાળ ઉપયોગની મંજૂરી અપાયા બાબતે શંકા વ્યક્ત કરી હતી.