વડોદરા, તા.૨૯

શહેરની સયાજી હોસ્પિટલમાં વહીવટી તંત્રના અધિકારીનોની રહેમનજર હેઠળ કમિશન લેતા તબીબોની મિલીભગતથી ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોની દાદાગીરી ચરમસીમાએ પહોંચી છે. એટલું જ નહીં, ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોને હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓનો કોઈ પ્રકારનો ડર રહ્યો નથી અને નિર્ભયપણે હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલો કરતા ખચકાતા નથી.

આજે સાંજે આવો જ એક બનાવ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની બહાર ગરીબ દર્દીને એમ્બ્યુલન્સ માટે સરકારી એમ્બ્યુલન્સ અપાવવા માટે મદદ કરતા એક સિકયુરિટી ગાર્ડ ઉપર ખાનગી એમ્બ્યુલન્સના ચાલક ભાવેશ અને કરણ બંને જણા દોડી આવ્યા હતા અને બીભત્સ ગાળો બોલી સિકયુરિટી ગાર્ડને ધક્કો મારીને છૂટાહાથની મારામારી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે ઈમરજન્સી વિભાગની બહાર લોકોના ટોળા ભેગાં થઈ ગયાં હતાં. ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો કોની રહેમનજર હેઠળ, કોના છૂપા આશીર્વાદથી હોસ્પિટલમાં બિન્દાસપણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસે રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે એ ચર્ચાનો વિષય બન્યો હતો.

હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને વહીવટી વિભાગના અધિકારીઓ સયાજી હોસ્પિટલને પોતાની જાગીર સમજીને કમાઉ દીકરો સમજી રહ્યા છે. આવા તત્ત્વો સામે આકરાં પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં હોસ્પિટલમાં ગેંગવોર થવાની સાથે ધંધો નહીં આપનાર તબીબો ઉપર પણ હુમલા થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

ખાનગી એમ્બ્યુલન્સના આડેધડ પાર્કિંગથી અન્ય એમ્બ્યુલન્સના ચાલકોને પડતી હાલાકી

સયાજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો છે કે ખાનગી એમ્બ્યુલન્સો તાત્કાલિક સારવાર વિભાગની બહાર આડેધડ પાર્કિંગ કરતા હોવાથી ૧૦૮ સહિત અન્ય દવાખાનાઓથી દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સના ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાની અનેકવાર ફરિયાદો ઊઠવા પામી છે. ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોની હોસ્પિટલના કેટલાક તબીબો અને ચોથા વર્ગના કર્મચારીઓ સાથે મિલીભગત સાથે વર્ધી આપનારને કમિશન આપતા હોવાની અનેક વાર હોસ્પિટલના કેમ્પસમાં ચર્ચાઓ થઈ રહી છે. ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો ર૪ કલાક કેમ્પસમાં અડ્ડો જમાવીને બેસી રહેતા જાેવા મળી રહ્યા છે તેમ છતાં હોસ્પિટલના સત્તાવાળાઓ આ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી. છેવટે આની ગંભીર અસર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઉપર પડે છે.