લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
વડોદરા |
1782
વાઘોડિયાની ખાનગી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મહારાષ્ટ્રના વિધાર્થીએ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા કોલેજના વિદ્યાર્થી તથા સહધ્યાયી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. આપઘાતનું કારણ હાલના તબક્કે અકબંધ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના વાલી મહારાષ્ટ્ર થી વડોદરા આવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેર શિક્ષણનું હબ બન્યું છે ત્યારે શહેર તેમજ તેની આસપાસમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીઓ વિશ્વભરમાં નામના મેળવી ચૂકી છે. ત્યારે બહારથી વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ કરતા હોયછે. ત્યારે આવો જ એક વિદ્યાર્થી નામે સાઈ રાજ અરુણ ભાઈ હરાલ ઉંમર વર્ષ ૨૧ મહારાષ્ટ્ર થી ઉચ્ચ અભ્યાસ અર્થે વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે આવ્યો હતો. અને વાઘોડિયા રોડ ઉપર આવેલ માધવપુરા નજીક સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં તેના અન્ય સહધ્યાયી મિત્ર સાહિલ તથા રિતેષ ડુબે સાથે એપાર્ટમેન્ટ માં ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો. અને અભ્યાસ કરતો હતો. કોલેજમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષીય વિદ્યાર્થી સાઈરાજ હરાલે વહેલી સવારે ઊઠીને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ભેદી સંજાેગોમાં છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
વિદ્યાર્થીએ છલાંગ લગાવતા તે નીચે પટકાયો હતો. અને વહેલી સવારે શાંત વાતાવરણમાં ધડાકા નો મોટો અવાજ સંભળાતાં આસપાસના રહીશો જાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ વિદ્યાર્થીના મિત્રો સાહિલ અને રીતેષ ને આ બાબતની જાણ થતાં એવો પણ બનાવ સ્થળે નીચે દોડી આવ્યા હતા. મિત્રોને ઘાયલ જાેતા તેઓએ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા ૧૦૮ની મદદ માંગી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચ્યા બાદ ઘાયલ મિત્રને બંને મિત્રો સાહિલ અને રીતે જ તેને લઈને સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ વિદ્યાર્થી વાઘોડિયા વિસ્તારમાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે અને તે મૂળ પૂણે મહારાષ્ટ્રનો વતની છે. આ વિધાર્થીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના વાલીને કરવામાં આવી હતી જેથી મૃતક વિદ્યાર્થીના વાલી મહારાષ્ટ્ર થી વડોદરા આવવા માટે નીકળી ગયા હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે પરંતુ હાલના તબક્કે વિદ્યાર્થીને આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.