નડિયાદ : નડિયાદ નગરપાલિકામાં ગેરકાયેદસર ભરતીના કૌભાંડમાં પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા નડિયાદ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લેવાય તેવી શક્યતાઓ છે. નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૧૪માં કરાયેલી વિવિધ પદોની ભરતીમાં પાલિકા સત્તાધીશોએ પોતાના મળતિયાઓ પાસે નાણાકીય વ્યવહારો કરી તેમને આ પદો પર ગોઠવી દેવાનો તખ્તો તૈયાર કર્યો હતો. જે સમયે ફિક્સ પગાર મુજબની ખોટી ભરતીને ૨૦૧૯માં સામાન્ય સભામાં પ્રમુખ પદેથી ઠરાવ મંજૂર કરી કાયમી કરવાની બહાલી આપી દેવાઈ હતી. આ મુદ્દે હવે જ્યારે પ્રાદેશિક કચેરીમાંથી કાર્યવાહીના એંધાણ વર્તાયા છે ત્યારે સત્તાધારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભીંસમાં મૂકાયાં છે. સતત એક હથ્થુ શાસન ધરાવતા નડિયાદ નગરપાલિકાના સત્તાધીશોનું આ સૌથી મોટુ કૌભાંડ હોવાની ચર્ચા ચાલી રહી છે. અંગત સૂત્રોએ જણાવ્યાં મુજબ, આ સમગ્ર ઘટનામાં નડિયાદના રાજકારણમાં પક્ષ અને વિપક્ષની ભૂમિકા ભજવતાં કેટલાંય મોટાં માથા સંડોવાયેલા છે. જેનાં કારણે નડિયાદ પાલિકામાં કેટલાય ચીફ ઓફિસર બદલાયાં હોવા છતાં તેઓ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી શક્યાં નથી. નડિયાદમાં હાલ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલાં પ્રણવભાઈ પારેખના ધ્યાને ૧૫ દિવસથી આ ઘટના આવી છે. ત્યારે હજુ સુધી તેમણે કાર્યવાહી કરી નથી. ત્યારે તેમને સત્તાધારી પક્ષના નેતાઓનું દબાણ છે કે કેમ? તે પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. 

નડિયાદ નગરપાલિકાની ઉપલી કચેરી એટલે કે, પ્રાદેશિક કમિશનરની કચેરીને આ બાબત ધ્યાને આવી છે. પ્રાદેશિક કચેરીના એક ઉચ્ચ અધિકારીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ઘટના ધ્યાનમાં આવી છે. આ ઘટનામાં નડિયાદ ચીફ ઓફિસરે સીધી કાર્યવાહી કરવાની થાય છે. જરૂર પડતાં પ્રાદેશિક કચેરી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે પત્ર વ્યવહાર પણ કરીશુ. અમારી પાસે રિપોર્ટ આવ્યો કે કેમ અને અમારે કાર્યવાહી કરવાની કે કેમ? આ પ્રશ્નો પાલિકા દ્વારા કાર્યવાહી ન થાય ત્યારે સામે આવે છે. આ સમગ્ર ઘટના પ્રાદેશિક કચેરીના મુખ્ય વડા મનિષકુમાર બંસલના ધ્યાને લાવવામાં આવશે. ત્યારબાદ આ અંગે આગળ શું કાર્યવાહી કરવાની થાય છે તે અંગે તેઓ જ કંઈક જણાવી શકશે.

હવે જાે આ ‘સ્પેશિયલ ૨૬’ સામે કાર્યવાહી થાય તો તે તમામ સામે કોગ્નીજેબલ ગુનો દાખલ થઈ શકે. આ ઉપરાંત તેમણે ખોટી રીતે સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો પણ ગુનો દાખલ થઈ શકે. આ અંગે મળતી માહિતી મુજબ, નડિયાદના જાણીતા સામાજિક આગેવાન હાઇકોર્ટમાં કેસ દાખલ કરે તેવી પણ શક્યતાઓ છે. નગરપાલિકા એક્ટ મુજબની કાર્યવાહી કરાશે તો નડિયાદના સત્તાપક્ષ અને વિપક્ષના અનેક મોટા નેતાઓના મુખ પર કાયદાની તમાચ વાગશે. બીજીતરફ આ કૌભાંડોમાં શાષક પક્ષ અને વિરોધ પક્ષ બંને વચ્ચે જાણે ગોઠવણ ચાલતી હોય તેમ બંને જે કૌભાંડોમાં પોતાનો ફાયદો જૂએ છે, ત્યાં અવાજ ઊંચો કરતાં હોવાના પણ આક્ષેપો થયાં છે. આ વચ્ચે પાલિકાના પૂર્વ કાઉન્સિલર રાગીણિબેન રાણાએ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે, જેમાં તેમણે પાલિકાની આખી બોડી વિખેરી નાખવાની માગ કરી છે.

તો પછી કલેક્ટરે સૂઓ-મોટો દાખલ કેમ ન કરી?

આ કૌભાંડ બાબતે એક ચોંકાવનારી વિગત એમ છે કે, વર્ષ ૨૦૧૮ સુધી જે-તે જિલ્લામાં નગરપાલિકાની ઉપલી શાખા હતી. જે કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ ચાલતી હતી. ઉપરાંત આ શાખા માટે કલેક્ટર જ સીધા જવાબદાર અધિકારી ગણાતાં હતાં. આ કૌભાંડ વર્ષ ૨૦૧૪માં આચરવામાં આવ્યુ હતુ. જ્યારે ૨૦૧૮માં આ અંગે પાલિકાથી માંડી જિલ્લા કલેક્ટર અને રાજ્યના મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆતો કરાઈ હતી. ત્યારે જે-તે સમયે કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હોવાથી તે સમયે જાહેર હિતનો મુદ્દો હોઈ આ સંદર્ભે કલેક્ટર પણ સીધી કાર્યવાહી કરી શકે તેમ હતુ. તેમ છતાં ૨૦૧૮ના વર્ષમાં આ અંગે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. આ મુદ્દો જાહેરહિતનો હોવાથી કલેક્ટર તેમાં સૂઓ-મોટો દાખલ કરી ‘‘સ્પેશિયલ ૨૬’ સામે કાર્યવાહી કરી શકે તેમ હોવા છતાં તે સમયે કાર્યવાહી કેમ ન થઈ? તે પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે.

ટેક્સ કૌભાંડનું ભૂત કર્મચારીઓને જ બિવડાવશે?

‘સ્પેશિયલ ૨૬’ના કૌભાંડ વચ્ચે નગરપાલિકામાં જાતે જ ધૂણી રહેલુ ટેક્સ કૌભાંડનું ભૂત ફક્ત નાના કર્મચારીઓ પર હાવિ થઈ રહ્યું છે. નડિયાદ નગરપાલિકામાં સત્તાધારીઓના ‘સ્પેશિયલ ૨૬’ને બચાવવાના પ્રયત્નો પર પાણી ફરી વળ્યુ છે. ત્યારે બીજીતરફ તેમને બચાવવા માટે ઉગામેલુ ટેક્સ કૌભાંડનું ગૂંચળું ફક્ત નાના કર્મચારીઓની આસપાસ ફરી રહ્યુ છે. પાલિકા પ્રશાસન પણ આ કર્મચારીઓની બદલી કરી કાર્યવાહીનો સંતોષ માની રહ્યુ છે, પરંતુ આ કૌભાંડમાં કર્મચારીઓએ કોના દબાણથી અને કયા મોટાં માથાઓના ટેક્સ ડિલીટ કર્યા છે, તે અંગે કોઈ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. હવે આવા સમયે નડિયાદ પાલિકાના સત્તાધારીઓ કાર્યવાહીની ગુલબાંગો મારતા હતા તે તમામ લોકો માટે સમાન હશે કે પછી ટેક્સ કૌભાંડનું ભૂત કર્મચારીઓને બિવડાવીને સંતોષ માની લેશે તે અંગે તર્ક-વિતર્કો ચાલી રહ્યાં છે.

નડિયાદ ન.પા.માં કૌભાંડોની હારમાળા, સ્પેશિયલ-૨૬, ટેક્સ, આઉટસોર્સિંગ બાદ હવે વ્યવસાય વેરાનું કૌભાંડ!

નડિયાદ નગરપાલિકામાં કૌભાંડોનો વિસ્ફોટ થયો હોય તેમ જણાઈ રહ્યુ છે. આ કૌભાંડો જાણે કોઈની સૂચના અને માર્ગદર્શનથી થતાં હોય તેમ સત્તાધારીઓએ મન મૂકીને કૌભાંડોને આશરો પણ આપ્યો છે. જેમાં ચૂપકીદી સાધીને બેઠેલાં વિપક્ષની પણ મોટી ભાગીદારી હોય તેમ લાગી રહ્યુ છે. નગરપાલિકામાં થયેલાં કરોડોના કૌભાંડોની હારમાળા હવે વ્યવસાય વેરાના કૌભાંડ પર આવીને ઊભી છે. જ્યાં પાલિકામાં વ્યવસાય વેરામાં છેલ્લાં કેટલાંય વર્ષોથી મોટા પાયે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નગરપાલિકાના સ્વભંડોળના ધૂમાડા કરી નાખ્યાં હોવાના આક્ષેપ થયાં છે. વ્યવસાય વેરામાં ફક્ત ૫૦૦ રૂપિયાની લાંચ લઈ તેમનાં વેરામાં સેટલમેન્ટ કરી આપવામાં આવ્યુ હોવાના આક્ષેપોથી પાલિકા પ્રશાસન પણ ચોંકી ઊઠ્યું છે.

સત્તા એક જ પક્ષની હોવાથી કાર્યવાહી થતી નથી : ગગલભાઈ દેસાઈ, નેતા વિપક્ષ

કૌભાંડોની હારમાળા અંગે નડિયાદ નગરપાલિકાના વિપક્ષના નેતા ગગલભાઈ દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, નડિયાદ નગરપાલિકામાં હું જ્યારથી કાઉન્સિલર તરીકે ચૂંટાતો આવ્યો છુ, ત્યારબાદ લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી છે. આટલી ગ્રાન્ટ મુજબ નડિયાદ જેવાં નાના શહેરના વિકાસ અને રૂપરેખાની કલ્પના જ આપણાં માટે ખૂબ મોટી હોઈ શકે. પરંતુ એકહથ્થુ શાસન ભોગવતાં સત્તાધારીઓના કારણે વિકાસ માટે ફાળવાયેલા નાણાં ક્યાં જાય છે તે સમજાતુ નથી. આ ઉપરાંત આઉટસોર્સિગથી માંડી ટેક્સ કે હાલ સામે આવેલા વ્યવસાય વેરાના કૌભાંડમાં કાર્યવાહી શાને નથી થતી? તે વિચારવા લાયક પ્રશ્ન છે. છેક ઉપર સુધી એક જ પક્ષની સત્તા હોવાથી કાર્યવાહી થતી નથી. વિપક્ષ પર સવાલ કેવી રીતે કરાય છે, તે પણ સમજાતુ નથી. સત્તાધારી પક્ષે સામાન્ય સભામાં જે મુદ્દા એજન્ડામાં લીધા હોય તેની ચર્ચા કરવા તૈયાર નથી હોતા, તેવા સંજાેગોમાં એજન્ડા બહારના મુદ્દા પર તેઓ ચર્ચા કેવી રીતે કરવા દેવાના. વિરોધ પક્ષ તરીકે કાગળ પર કરવી પડતી તમામ કાર્યવાહી સમયાંતરે કરી છે, પરંતુ એક જ પક્ષની સરકારના કારણે કોઈ પરિણામ મળતુ નથી.