કેન્દ્રની કામદાર વિરોધી નીતિ સામે દેખાવો
27, નવેમ્બર 2020

વડોદરા, તા.૨૬ 

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ, શ્રમિકોના કાયદાઓમાં કરાયેલા ફેરફારો તેમજ ખાનગીકરણના વિરોધમાં દેશવ્યાપી હડતાળના ભાગરૂપે આજે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કરીને કલેકટરને આવેદનપત્ર

આપ્યું હતું.

દેશના વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની નીતિ સામે આજે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરામાં વિવિધ યુનિયનોના સંગઠનોના સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ કામદાર વિરોધી, ખેડૂતવિરોધી કાયદાને પાછો ખેંચવા તેમજ ખાનગીકરણના વિરોધમાં દેખાવો યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે બેરોજગાર થયેલા કામદારો કે જે ઈન્કમટેક્સ ભરતા ન હોય તેવા તમામ પરિવારોને દર મહિને રૂા.૭પ૦૦ કોરોના રાહત ભથ્થા તરીકે આપવામાં આવે. જરૂરિયાતમંદોને દર મહિને માથાદીઠ ૧૦ કિલો તમામ રાશન વિનામૂલ્યે આપવામાં આવે. મનરેગાને વધારે વ્યાપક બનાવી તમામ ગ્રામીણ ક્ષેત્રે ર૦૦ દિવસનું કામ આપવામાં આવે અને આપવામાં આવતા પગારમાં વધારો કરવામાં આવે અને મનરેગાને શહેરી વિસ્તારમાં પણ શરૂ

કરવામાં આવે. તમામ પ્રકારના કામદાર વિરોધી કોડ, ખેડૂતવિરોધી કૃષિબિલ, નવી શિક્ષણનીતિ અને ઈલેકટ્રીકસિટી બિલ-ર૦ર૦ પાછું ખેંચવામાં આવે. જાહેર સાહસોની સાથે સાથે સરકારી નાણાકીય એકમોનું ખાનગીકરણ અને કોર્પોરેટીકરણની પ્રક્રિયાને રદ કરવામાં આવે અને રેલવે, સંરક્ષણ, પોર્ટ, બીપીસીએલ, બીએસએનએલ જેવા સરકારી ઉત્પાદન અને સેવાકીય ક્ષેત્રોનું પણ ખાનગીકરણ રદ કરવામાં આવે.

સરકારી ઓફિસો અને જાહેર સાહસોમાં સમય પહેલાં બળજબરીથી નોકરીમાંથી નિવૃત્ત કરવાનો પરિપત્ર રદ કરવા તેમજ નવી પેન્શન સ્કીમ રદ કરવા અને જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરી તમામને પેન્શન આપવા ઉપરાંત ખાનગીકરણ બંધ કરવાની માગ કરી હતી.

કર્મચારીઓએ કાળીપટ્ટી પહેરી દેખાવો યોજ્યા

ઈન્ડિયન ઈલેકટ્રીકસિટી એમેડમેન્ટ બિલ-ર૦ર૦ રદ કરવામાં આવે, સ્ટાન્ડર્ડ બીડ ડોકયુમેનટ સ્થગિત કરવામાં આવે, ખાનગીકરણ રોકવામાં આવે, વીજ કંપની માટેના ફ્રેન્ચાઈઝી મોડેલ રદ કરવામાં આવે, કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિની પ્રથા રદ કરવામાં આવે અને ફિક્સ પગાર તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ સાથે વીજ કંપનીના કર્મચારીઓએ આજે કાળીપટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. બપોરે રિસેસના સમયે રેસકોર્સ મુખ્ય કચેરી સહિત વિવિધ કચેરીઓની બહાર રિસેસના સમયે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution