વડોદરા, તા.૨૫

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકશાહી બચાવો-સંવિધાન બચાવોની માંગ સાથે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૌન ધરણાં-વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં હવે મોંઘવારી સામે અવાજ ઉઠાવવો પણ ગુનો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની બીજું રાજ્ય ધરપકડ કરીને લઈ જાય તે ગુજરાત સરકાર માટે શરમજનક છે.કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની બુધવારે રાત્રે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જ્યાંથી તેમને આસામ લઈ જવાયા હતા. આસામ પોલીસે ટ્‌વીટમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ નોંધાયો હતો.આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકાર પ્રજાવિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને પગલે પ્રજા ત્રાહિમામ્‌ પોકારી ઊઠી છે. પ્રજા મોંઘવારી, બેરોજગારી, પેપરલીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે. સરકારના પ્રજાવિરોધી ર્નિણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ તરાપ મારવામાં આવી રહી છે.