વડોદરા, તા. ૧૪

શહેરના છેવાડે હાઈવે પર દુમાડ ગામની સીમમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડી રાજસ્થાનથી અફીણની ડિલીવરી આપવા માટે આવેલા સપ્લાયર અને સ્થાનીક ટ્રાન્સપોર્ટરને ઝડપી પાડી તેઓની પાસેથી ૬૧ હજારથી વધુનું અફીણ અને કાર સહિત ૪.૭૭ લાખથી વધુની મત્તા કબજે કરી હતી.

જિલ્લા એસઓજીની ટીમને માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર દુમાડ ગામની સીમમાં આવેલા તરન-તારન ટ્રેલર સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં માદકદ્રવ્યની ખેંપ મારવા માટે સપ્લાયર આવ્યો છે. આ વિગતોના પગલે એસઓજીની ટીમે ગત બપોરે તરન-તારન ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ઓફિસની અંદરની ભાગે આવેલા કેબિનમાં ૪૨ વર્ષીય મનોજકુમાર બદ્રીલાલ સેન (મંગળવાડ ચોકડી, તા.ડુંગલા, ચિત્તોડગઢ, રાજસ્થાન) અને ૫૭ વર્ષીય સ્વીન્દરસિંહ જાગીરસિંહ બાજવા (શ્રીરામપાર્ક, ઉમિયાનગર, ન્યુસમારોડ) મળી આવ્યા હતા. આ પૈકી સ્વીન્દરસિંહના હાથમાં પ્લાસ્ટીકની ડબ્બી મળતાં તેણે ડબ્બીમાં અફીણ હોવાનું અને તે મનોજકુમાર વેંચાણ માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંનેની અંગજડતી કર્યા બાદ મનોજકુમારની હુન્ડાઈ કારમાં તપાસ કરી હતી જેમાં કારના ડેસ્કબોર્ડના નીચે ડ્રોઅરમાંથી બે પેકેટમાં પ્લાસ્ટીકની ડબીઓમાંથી કુલ ૬૧,૬૦૦ રૂપિયાની કિંમતનો ૬૧૬ ગ્રામ અફીણનો જથ્થો મળ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થાના ખરીદ-વેચાણ કરતા રંગે હાથ ઝડપાયેલા મનોજકુમાર સેન અને સ્વીન્દરસીંગ બાજવાની ધરપકડ કરી તેઓની પાસેથી ગાંજાનો જથ્થો તેમજ બે મોબાઈલ ફોન, રોકડા ૨૫૦ અને એક હુન્ડાઈ કાર સહિત કુલ ૪,૭૭,૧૦૦ રૂપિયાનો મુુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસને ટ્રાન્સપોર્ટ ઓફિસનું લાઈટબિલ મળ્યું હતું જે ભુપીન્દરસીંઘ રંધાવા તરણ તારન ટ્રેલરના નામે હોવાની વિગતો મળી હતી.