જયપુર-

રાજસ્થાનની રાજકીય યુદ્ધ હાલ કોર્ટમાં લડાઈ રહ્યુ છે. સચિન પાયલટ જૂથના વધુ એક ધારાસભ્યે રાજસ્થાન હાઈકોર્ટમાં ત્રણ અરજીઓ નોંધાવી છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ધારાસભ્ય ભંવરલાલ શર્માએ આજે હાઈકોર્ટમાં એસઓજી દ્વારા જે એફઆઈઆર નોંધાવવામાં આવી છે તેને રદ કરવાની માંગને લઈ અરજી કરી છે.

બાગી ધારાસભ્ય ભંવરલાલ શર્મા તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં એસઓજીમાં નોંધાયેલી બે એફઆઈઆર અને એસીબીની એફઆઈઆરને રદ કરાવવા સાથે એસઓજીમાં નોંધાયેલી એફઆઈઆર મામલે એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. વકીલ એસએસ હોરાએ આ અરજીઓને દાખલ કરી છે.

જાણવા મળ્યા મુજબ બાગી ધારાસભ્ય ભંવરલાલ શર્માની બે અરજીઓ પર 4 ઓગષ્ટના રોજ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોના ખરીદ-વેચાણને લગતા બે ઓડિયો સામે આવ્યા હતા. કોંગ્રેસે કરેલા દાવા પ્રમાણે ધારાસભ્ય ભંવરલાલ શર્મા, ભાજપના નેતાઓ સાથે ધારાસભ્યોની ડીલ કરી રહ્યા હતા. આ કેસની તપાસ એસઓજી અને એસીબીને સોંપવામાં આવી છે.