રાજેશ મોરડીયા અને નરેન્દ્ર ચૌધરી અપક્ષનું ખાતુ ખોલાવી શકે છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   સુરત   |   2178

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરાયા બાદ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેયની નેતાગીરીએ તમામ ૩૦ વોર્ડમાં એક બીજાને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારોનાં લેખાં-જોખાં કાગળ પર ટપકાવવા માંડ્યા છે. કોંગ્રેસની ગણતરી ખાતું ખોલાવવાની છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપને એવો ડર છે કે તેમણે બનાવેલા ગ્રાઉન્ડમાં કમસેકમ બે અપક્ષો ગાબડાં પાડી શકે તેવા ખમતીધર છે. બે અપક્ષોને આમ આદમી પાર્ટી અને ભાજપની નેતાગીરી ગંભીરતાથી લઇ રહી છે.

સુરત મહાનગરપાલિકામાં બે ટર્મ પછી કોઇ અપક્ષ ચૂંટાઇ શકે તેવા રાજકીય સમીકરણો સપાટી પર આવ્યાં છે. વોર્ડ નં.૨ અમરોલી, મોટા વરાછા અને કઠોર વોર્ડ કે જ્યાં ગઇ ચૂંટણીમાં ભાજપે ચારેય બેઠકો ગુમાવી દીધી હતી અને એ ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વિજેતા બન્યાં હતાં. વિજેતાઓમાં આમ આદમી પાર્ટીનાં રાજેશ મોરડીયાનો સમાવેશ થતો હતો. પરંતુ, મીડટર્મમાં જ વરાછા ફ્લાય ઓવર બ્રિજની નીચે એક કથિત ભ્રષ્ટાચારનાં સ્ટીંગ ઓપરેશનમાં રાજેશ મોરડીયા સપડાયા હતાં અને તેને પગલે પોલીસ કેસ થતાં આમ આદમી પાર્ટીએ તેમને આઉટ કરી દીધાં હતાં.

હવે એ જ રાજેશ મોરડીયાએ આ વખતે એ જ વોર્ડમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. જાણકારોનું કહેવું છે કે આ વિસ્તારમાં રાજેશ મોરડીયા ખાસ્સા લોકપ્રિય છે અને ભાજપ અને આપ બંનેનાં સ્ટ્રેટેજી મેકરોને એવો ડર છે કે રાજેશ મોરડીયા જો મેદાનમાં રહ્યા તો અપક્ષ એક સીટ જીતી જાય તેમ છે.

એવી જ રીતે વોર્ડ નં.૧૮ લિંબાયત, પરવટ, કુંભારીયા વિસ્તારમાં ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ ગતરોજ પાર્ટીથી છેડો ફાડીને અપક્ષ તરીકે ઉમેદવારી કરી અને તેમની સાથે ગઇકાલે કલેક્ટરેટમાં જે રીતે ઝનૂની કાર્યકરોનું મોટું ટોળું હતું એને જોઇને ઉમેદવારી કરવા આવેલા ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેનાં ઉમેદવારો અને ટેકેદારોનાં ભવાં ચઢી ગયા હતા. જાણકારો કહે છે કે આ વોર્ડમાં

નરેન્દ્ર ચૌધરી મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે અને અત્યાર સુધી એવું જ હતું કે પાર્ટી તેમને ટિકિટ આપશે પરંતુ, પાર્ટીએ તેની અવગણના કરતા

છેલ્લા બે જ દિવસમાં સોશિયલ મીડિયા પર વહેતી થયેલી પોસ્ટને કારણે

ભાજપ જેને પોતાનો ગઢ માને છે એ લિંબાયત વિસ્તારમાં દાયકા પછી અપક્ષ વિજેતા થાય તેવી સ્થિતિ સર્જાવા

તરફ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution