રાજકોટ-

ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીની રજા પહેલા માર્કેટ યાર્ડ વારંવાર મગફળીથી ઉભરાઈ જવાની સાથે એક જ દિવસમાં મગફળીની આવક 2 લાખ ગુણી જોવા મળતી હતી. પરંતુ લાભ પાંચમના દિવસથી વેપારીઓએ શુકન સાચવીને શરૂ કરેલા વેપારની સાથે બુધવારના રોજ યાર્ડ સતાધીશોએ મગફળીની આવકનો પ્રારંભ કરતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માત્ર 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક જોવા મળી હતી. જેથી માર્કેટ યાર્ડ સતાધીશોને ન છૂટકે મગફળીની આવકો શરૂ રાખવાની ફરજ પડી હતી.

સરકારને ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીમાં પણ મગફળીની 30 કિલોની ભરતીની સામે 25 કિલો ભરતી કરવી પડી છે. ત્યારે મગફળીની નબળી ગુણવતા અને ઓછા ઉત્પાદન વચ્ચે સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું 28 લાખ ટનથી લઈ 50 લાખ ટન સુધીનું અઢળક ઉત્પાદન આવશે તેવી સરકાર અને સોમા સહિતની વિવિધ ખાનગી એજન્સીઓએ કરેલી મગફળી ઉત્પાદનની ધારણાઓ ખોટી પડી છે. હાલમાં ખેડૂતોની કફોડી હાલતને લઈને 50 ટકા કરતા વધું મગફળીનો જથ્થો બજારમાં વહેંચાઈ ગયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોના ઘરમાં જે જણસીઓની વસ્તું ન હોય ત્યારે જ ખેડૂતોએ ઉત્પાદન કરેલી વસ્તુઓના ભાવમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે, એ કહેવત સાર્થક થતી હોય તેમ આગામી દિવસોમાં મગફળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળે તો ના નહી.