રાજપીપળા

રાજપીપલા ટાઉન પી.આઈ જગદીશ ચૌધરી હરિયાણાના ગુરૂગ્રામમાં ૨ લાખની લાંચ લેતા હરિયાણા સ્ટેટ એ.સી.બી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.એમની સ્થાનિક પોલિસ દ્વારા રવિવારે રાત્રે જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજપીપલાના ટાઉન પી.આઈ જગદીશ ચૌધરીને રાજ્ય વિજિલન્સ બ્યુરો, હરિયાણાની રોહતક ટીમ દ્વારા રવિવારે રાત્રે ગુરુગ્રામના સેક્ટર-૪૯ વિસ્તારમાંથી ૨ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા.સોમવારે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યું હતું.નર્મદા એલ.સી.બી ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી હતી, તો બીજી બાજુ જિલ્લા પોલિસ વડાએ આ મુદ્દે વધુ તપાસ માટે એસ.આઈ.ટીની રચના કરવાની જાહેરાત કરી છે.આ કેસની તપાસ રાજપીપલા ટાઉન પી.આઈ જગદીશ ચૌધરી પણ કરી રહ્યા હતા.

યુનિવર્સિટીની નકલી ડિગ્રી બનાવવાના મામલે નર્મદા પોલિસે હરિયાણાના ગુરૂગ્રામની એક મહિલાની ધરપકડ કરી હતી.તેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદના અમર નગરમાં રહેતા અમરિંદર પુરીની ભૂમિકા સામે આવતા એને રાજપીપળા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.તપાસ બાદ ૨૪ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જગદીશ ચૌધરીએ અમરિંદર પુરીના કેસને નબળો પાડવા અને પૂરક ચાર્જશીટ કોર્ટમાં ન સોંપવા માટે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હોવાની ફરિયાદ હતી.

હરિયાણાના ગુરૂગ્રામના ડીએલએફ ફેઝ-૧ માં રહેતા સંદીપ પુરીએ જગદીશ ચૌધરીનો ઈન્સ્પેક્ટરનો સંપર્ક કરીને એક લાખ રૂપિયા આપ્યા હતા, એ પછી પણ તેઓ રાજી ન થયા.પછી બાકીના બે લાખ રૂપિયા ગુરુગ્રામમાં આપવાનું નક્કી થયું.વાતચીતને કર્યા પછી, સંદીપ પુરીએ સ્ટેટ વિજિલન્સ બ્યુરો, હરિયાણાને ફરિયાદ કરી.ફરિયાદ સામે આવતાની સાથે જ બ્યુરોના ગુરુગ્રામ રેન્જના ડીઆઈજી બલવાન સિંહ રાણાએ સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી હતી. લાંચ લેતા ઈન્સ્પેક્ટરને પકડવાની જવાબદારી બ્યુરોની રોહતક ટીમના ઈન્ચાર્જ ડીએસપી સુમિત કુમારને સોંપવામાં આવી હતી.વાતચીત મુજબ ઈન્સ્પેક્ટર જગદીશ ચૌધરી સેક્ટર-૪૯ વિસ્તારમાં સંચાલિત એક ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા અને ત્યાં જ પૈસા લેતા ટીમે તેને પકડી લીધા હતા.