દિલ્હી-

તેલંગણાના એક્સાઇઝ એન્ડ પ્રોહિબિશન વિભાગે ૩૦ લાખનું ડ્રગ્સ પકડયા પછી ૧૨ કેસ નોંધ્યા હતા. તેમાથી ૧૧ કેસમાં તહોમતનામુ દાખલ કરવામાં આવ્યું હતું. તેના પછી એન્ફોર્સમેન્ટે એક્સાઇઝ વિભાગના કેસોમાં મની લોન્ડરિંગની તપાસ પણ હાથ ધરી . તેલંગણા એક્સાઇઝ વિભાગે ડ્રગ કેસના સંદર્ભમાં ૩૦ જણની ધરપકડ કરી છે અને બીજા ૬૨ જણની પૂછપરછ કરી છે. તેમા ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૧૧ જણાની પૂછપરછ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન હૈદરાબાદમાંથી ડ્રગ પકડાવવાના નોંધપાત્ર કેસો બન્યા છે. તેમા જુલાઈ ૨૦૧૭માં મોટો જથ્થો પકડાયો હતો. આ સમયે પાડવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડામાં જંગી જથ્થામાં એલએસડી અને કોકેઇન પકડાયુ હતુ અને તેમા ૧૩ જણની ધરપકડ કરવામાં આવી હતી. એક્સાઇઝ વિભાગે જણાવ્યું હતું કે તેના વપરાશમાં શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ હતા. આ અંગે ૨૬ સ્કૂલો અને ૨૭ કોલેજાે તથા વિદ્યાર્થીઓના માબાપને પણ જણાવાયું છે. પકડાયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ પબ, શૈક્ષણિક સંસ્થાઓ, ગોવા અને હૈદરાબાદમાં યોજાતી રેવ પાર્ટીઓમાં પ્રતિબંધિત ડ્રગ પૂરુ પાડે છે. તેના તાર પુણે, મુંબઈ અને દિલ્હી સાથે પણ જાેડાયેલા છે. પકડાયેલામાંથી છ તો એન્જિનીયરિંગના ગ્રેજ્યુએટ છે. અભિનેત્રી રકુલ પ્રીતસિંહ અને બાહુબલીમાં ભલ્લાલદેવના નામે લોક્પ્રિય બનેલા અભિનેતા રાણા દગ્ગુબાટીને ચાર વર્ષ જૂના ડ્રગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રકુલપ્રીતને છ સપ્ટેમ્બર, બાહુબલીના અભિનેતા રાણા દગ્ગુબાટીને ૮ સપ્ટેમ્બર, તેલુગુ અભિનેતા રવિ તેજાને ૯ સપ્ટેમ્બર અને ડિરેક્ટર પુરી જગન્નાથને ૩૧ સપ્ટેમ્બરે હાજર થવા સમન્સ પાઠવ્યો છે. એજન્સીના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રકુલપ્રીતસિંહ, રાણા દગ્ગુબાટી, રવિ તેજા કે પુરી જગન્નાથ કંઈ આરોપી નથી. તે મની લોન્ડરિંગમાં સંડોવાયા છે કે નહી તે અંગે કશું કહેવું વહેલું હશે.