અરવલ્લી-

જિલ્લા પોલીસ માટે ગત શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઇડે સમાન હતો. એક પછી એક પોલીસ કર્મીઓની દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો. LCB પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપ્યા બાદ બે કોન્સટેબલ તેમાંથી કેટલીક દારૂની પેટીઓ સગેવગે કરવા જઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સટેબલની કારે પલ્ટી ખાતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

LCB પોલીસની કચેરીમાંથી પણ સાત દારૂની પેટીઓ મળી આવી હતી. LCB PI આર.કે. પરમાર, વહીવટદાર શાહરુખ અને 3 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો હતો. SP સંજય ખરાતે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે PI આર કે પરમાર રજા ઉપર ઉતરી છટકી ગયા છે. મળતી માહિતી અનુસાર, રેન્જ IG અભય ચુડાસમાએ સોમવારે અરવલ્લી SP કચેરીમાં આવેલ LCB ઓફિસની મુલાકાત લીધી હતી અને અરવલ્લી SP તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓને સમગ્ર કેસમાં તપાસના આદેશ આપ્યા હતા.