ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ - વાવોલ હાઇવે પર બમ્પ કૂદીને બાઈક તળાવના ગરનાળા સાથેની આર.સી.સીની પાળીએ અથડાતાં બાઈક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી બેનાં ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના રાણીપ મુખીવાસમાં રહેતો કેયૂર ઉર્ફે કુલદીપ અંબાલાલ વાઘેલા (ઠાકોર) ગઇ કાલ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ તેના કુટુંબી ભાઇઓ વિશાલ જશુભાઇ ઠાકોર(ઉ. વ. ૨૪)તથા જય મહેશકુમાર ઠાકોર (ઉ.વ. ૨૦) સાથે ઉવારસદ ગામે લીલી વાડી જાેગણી માતાના મંદિરે દર્શન કરવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. એ વખતે બાઈક વિશાલ ચલાવતો હતો.

એ દરમ્યાન ત્રણેય રાણીપ થઇ ચાંદખેડા થઇ અડાલજ થઇ ઉવારસદ - વાવોલ હાઇવે રોડ તરફ જઇ રહ્યા હતા. ત્યારે ઉવારસદ તળાવ સામે આવેલ ગરનાળા પહેલા બમ્પ આવતા વિશાલ ઠાકોરે બાઇકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે બાઈક રોડની બાજુમાં ગરનાળાની સાથે બનાવેલ આર.સી.સી.ની પાળી સાથે અથડાયુ હતું. આ અકસ્માત થતાં જ ત્રણેય જણાં બાઈક સાથે ફેંકાઈને રોડ ઉપર પટકાયા હતા. જેમાં વિશાલ અર્ધ બેભાન થઈ ગયો હતો જયારે જય બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. જ્યારે કેયૂરને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ દરમ્યાન કોઈ રાહદારીએ ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. અને તપાસીને જયને મૃત જાહેર કર્યો હતો. બાદમાં કેયૂર અને વિશાલને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને પણ મૃત જાહેર કર્યો હતો. અને કેયૂરને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પહોંચી ગઈ હતી. અને બંને મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.