વારાણસી સંસદીય વિસ્તારના શિવાંગી બન્યા રાફેલના પ્રથમ મહિલા પાયલટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, સપ્ટેમ્બર 2020  |   3168

દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ સામેલ થયા છે. વારાણસીના ફુલવરિયા સ્થિત શિવાંગીના ઘરે પાડોશના બાળકો અને લોકો ભેગા થયા અને પરિવાર સાથે ખુશી ઉજવી.

શિવાંગીની આ સફળતા પર માતા સીમા સિંહે કહ્યુ કે પુત્રીએ જે સપનું જાેયું હતું તે પૂરૂ કર્યુ છે. શિવાંગીના પિતા કુમારેશ્વર સિંહે જણાવ્યું કે અમને ગર્વ છે કે અમારી દીકરી દેશનું નામ રોશન કરશે. બીએચયુમાં જ તે નેશનલ કેડેટ કોરમાં 7 યુપી એર સ્ક્વોડ્રનનો ભાગ હતી. બીએચયુથી 2013થી 2015 સુધી એનસીસી કેડેટ રહી. આ સાથે જ સનબીમ ભગવાનપુરથી બીએસસી કર્યું. શિવાંગી દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડમાં ૨૦૧૩માં ઉત્તર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 

શિવાંગીનું પોસ્ટિંગ હાલ રાજસ્થાનમાં છે. શિવાંગીના બાળપણ અંગે માતાએ જણાવ્યું કે તે શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતી. પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે ગઈ હતી. એક મહિનાની તાલીમમાં ક્વોલિફાય કર્યા બાદ હવે તે રાફેલ ટીમનો ભાગ બની છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution