RBC પાંચમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી 

અમદાવાદઃ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ (IPL 2021) ની રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સને 1 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે આરસીબીની ટીમ પાંચમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તો દિલ્હીનો ટૂર્નામેન્ટમાં આ બીજો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 4 વિકેટે 170 રન બનાવી શકી હતી.


દિલ્હી કેપિટલ્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમને 23 રનના સ્કોર પર શિખર ધવન (6)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. શિખર જેમિન્સનની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથ (4)ને સિરાજે ડિવિલિયર્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ટીમે પારવપ્લેમાં 2 વિકેટે 43 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 21ને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો.

43 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સ્ટોયનિસ અને કેપ્ટન રિષભ પંતે ટીમને સંભાળી હતી. બન્નેએ ચોથી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 94 રન હતો ત્યારે સ્ટોયનિસ (22) ને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો.

વિન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન હેટમાયરે આક્રમક બેટિંગ કરી મેચમાં રોમાંચ લાવી દીધો હતો. તેણે હેટમાયરે 23 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. હેટમાયરે આ દરમિયાન ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 47 બોલમાં પાંચ ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. પંત 58 અને હેટમાયર 53 રન બનાવી અણનમ રહ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 30 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન વિરાટ કોહલી (12)ને આવેશ ખાને અને દેવદત્ત પડિક્કલ (17)ને ઈશાંત શર્માએ બોલ્ડ કર્યો હતો. ટીમે પાવરપ્લેમાં 2 વિકેટે માત્ર 36 રન બનાવ્યા હતા.

ગ્લેન મેક્સવેલ ટીમનો સ્કોર 60 રન હતો ત્યારે 20 બોલમાં 2 છગ્ગા અને એક ચોગ્ગા સાથે 25 રન બનાવી અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. રજત પાટીદારે ડિ વિલિયર્સ સાથે મળી ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. પાટીદાર 22 બોલમાં બે છગ્ગા સાથે 31 રન બનાવી અક્ષરનો શિકાર બન્યો હતો.

અનુભવી મિસ્ટર 360 એબિ ડિવિલિયર્સે ફરી ટીમને સંકટમાંથી ઉગારી હતી. ડિ વિલિયર્સે પહેલા ટીમને સંભાળી પછી અંતિમ ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે આઈપીએલમાં 5 હજાર રન પણ પૂરા કર્યા હતા. ડિ વિલિયર્સ 42 બોલમાં 3 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 75 રન બનાવી અણનમ રહ્યો હતો. વોશિંગટન સુંદર 6 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution