વડોદરા, તા. ૪

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી રુઝવેલ્ટ હાઈસ્કુલ ખાતે બાવીસ વર્ષ બાદ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા રી- યુનિયન અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોે.

 પ્રભાત કોલોની , વાઘોડિયા રોડ ખાતે આવેલ રુઝવેલ્ટ હાઈસ્કૂલની ૧૯૯૯ ની બેચના વિદ્યાર્થીઓ એ ૨૨ વર્ષ બાદ શિક્ષકોનો ઋણ ચૂકવવા આભાર વિધિ અને રી- યુનિયન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ૨૨ વર્ષ બાદ જુના મિત્રો અને શિક્ષકો ભેગા થયા હતા. કાર્યક્રમમાં આઠ જુના નિવૃત શિક્ષકો , શાળાના હાલના આચાર્ય ઉપરાંત ચાલીસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષિકા વિનોદાબેન શાહએ માતા-પિતાનું આદર કરવા સૂચન કર્યું, તો અન્ય શિક્ષિકા ઇન્દિરાબેન ત્રિવેદીએ તેમની સોટીની યાદ કરાવી હતી, શિક્ષક જશુભાઈ પટેલ એ “ આ સમારંભમાં શિક્ષકો નું સન્માન એ જ શિક્ષકોની ગુરુ દક્ષિણા તેમ જણાવ્યું હતું”. તમામ શિક્ષકોએ આ અકલ્પનીય અને અવિસ્મરણીય સમારંભમાં આ કાર્યક્રમના આયોજક વિદ્યાર્થી સઈદ શેખ અને ઉજ્જવલ શાહ નું ખૂબ આભાર વ્યક્ત કરી આશીષ થી નવાઝયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું પુષ્પ ગુચ્છ આપી, શાલ ઓઢાડી, ગુરૂ પૂજન કરી સન્માન કર્યું હતું. આ નજારો જાેઈ કેટલાક કડક શિક્ષકો સાથે વિદ્યાર્થીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી, જે શિક્ષકો આ સમારંભમાં હાજર ન રહી શક્યા તેમના સંદેશા અને શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી, શિક્ષકોને એ જાણીને અનહદ આનંદ થયો કે, તેમના ભણાવેલા વિદ્યાર્થીઓ આજે કોઈ વકીલ, ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક તો સરકારી કર્મચારીઓ થઈ ગયા છે. ૧૯૯૯ ના પ્રિન્સિપાલ અને હમણાં સુધી પરલોક પામેલા શિક્ષકો તથા સ્કૂલ સ્ટાફ માટે બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તથા સ્કૂલની જેમ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું

સમાપન કર્યુ હતું.