ટિક-ટોક રિમૂવ કરો, સૂકોમેવો ખાવ!
26, જુન 2020

આણંદ, તા.૨૫

ધી પેટલાદ સોજિત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રાષ્ટ્ર હિત માટે અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ધી પેટલાદ સોજિત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ચીનની ટિક-ટોક એપ પોતાના મોબાઇલમાંથી જે ડિલીટ કરશે તેને ૨૫૦ ગ્રામ ગૌરી વ્રત માટે સૂકો મેવો આપવામાં આવશે. આ જાહેરાતની વાત પેટલાદ તાલુકા પંથકમાં ફેલાઈ જતાં લોકો ટિક-ટોક એપ ડિલીટ કરવા માંડ્યાં છે.

તાલુકા સંઘના ચેરમેન તેજસભાઈ પટેલે આ વિશે જણાવ્યું હતું કે, હાલમાં ચાલતાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ચીન દ્વારા ફેવાવવામાં આવી છે. લાખો લોકો મૃત્યુ પામ્યાં છે. વધુમાં વાગ્યા ઉપર મીઠું ભભરાવતાં ચીને ગત ૧૫ જૂને આપણાં લડાખ વિસ્તારમાં ઘૂસણખોરી કરી આપણાં દેશના ૨૦ વીર જવાનો શહીદ થયાં હતાં. આ વાતથી રોષની લાગણી અનુભવાઈ રહી છે. તેનાં ભાગ રૂપે આ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં વડાપ્રધાને આત્મનિર્ભર ભારતની વાત કરી છે. તેનાંથી પ્રેરાઈને આ નિર્ણય ધી પેટલાદ સોજિત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા લેવામાં આવ્યો છે. જે લોકો પોતાના મોબાઇલમાંથી ટિક-ટોક એપ રિમૂવ કરશે તેને ૨૫૦ ગ્રામ સૂકો મેવો મળશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, અમે વચન લઈએ છીએ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી અમે ચાઈનીજ વસ્તુના વપરાશનો બહિષ્કાર કરીશું અને સ્વદેશી વસ્તું અપનાવીશું.

ટિક-ટોક સમયની બરબાદી છે : તેજસ પટેલ

તેજસભાઈ પટેલનું કહેવું છે કે, ચીનની ટિક-ટોક એપ્લિકેશન એ સમય બરબાદ કરવાનું એક સાધન છે. તેનાંથી આપણી પ્રોડÂક્ટવિટી ઘટે છે. આપણો કીમતી સમય વેડફાઈ છે. તેનાંથી આપણને તથા આપણાં દેશને ખુબ મોટું સામાજીક અને આર્થિક નુકશાન થાય છે. ચીન દ્વારા માનવજાતને નુકશાન પહોંચાડવાનું કૃત્ય કરેલ છે. વર્ષોથી અમારાં તાલુકા સંઘની પરંપરા છે કે ગૌરીવ્રત કરતી બહેનો દીકરીઓને સારી ગુણવત્તાવાળું ગૌરીવ્રતનું ખાવું મળે તે માટે નહીં નફો નહીં નુકશાનથી વેચાણ કરવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution