વડોદરા, તા.૨૯

શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરતા નાના-નાના ભૂલકાંઓને તમે જાેયા હશે. ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી ગાડીઓની આસપાસ ફરીને પૈસા માગતાં કુમળા બાળકો પર દયા ખાઈને તમે એને પાંચ-દસ રૂપિયા આપ્યા પણ હશે, પણ એમને જાેઈને તમને ક્યારેય એવો સવાલ થયો છે કે, આવા બાળકો આવે છે ક્યાંથી? એમના મા-બાપ કોણ છે ? અને એમને ભિક્ષાવૃત્તિ કોણ કરાવતુ હશે ? એમના માસૂમ ચહેરા જાેઈને તમને જેવા સવાલો થાય છે એવા જ સવાલો દસેક દિવસ પહેલા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને થયા હતા.

પણ સામાન્ય જનતાની જેમ શાંતિ બેસી રહેવાને બદલે એમણે આવા રખડતાં બાળકો વિશે જાણવાની કોશિશ શરૂ કરી. એમણે એક ટીમ બનાવી અને રસ્તે રખડતાં, ભિક્ષાવૃત્તિ કરતા બાળકો વિષે જાણકારી પ્રાપ્ત કરવાની શરૂ કરી. એમણે પોતાની ટીમમાં સમાજ સુરક્ષા અધિકારીની સાથે સાથે શી ટીમની મહિલા કોન્સ્ટેબલો, ડિસ્ટાફના માણસો અને બાતમીદારોને કામે લગાડ્યાં. ચાર-પાંચ દિવસની ઘનિષ્ઠ તપાસ કર્યા પછી અધિકારીને જાણવા મળ્યુ કે, શહેરના લગભગ ૧૧ સ્થળો એવા છે જ્યાં બાળકો ભીખ માંગતા હોય છે.

આ અગિયાર સ્થળોની બરાબર વોચ ગોઠવીને ગણતરી માંડી તો જાણવા મળ્યું કે, ૭૦ બાળકો રોજ નિયમિત ભીખ માગવાં આવે છે. એ બાળકોની તપાસ કરતી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો કે, એમના માતા-પિતા એમની ભીખની આવક પર જ ગુજરાન ચલાવે છે. મોટાભાગના બાળકોના માતા-પિતા કશું કરતા નથી અને ઓવરબ્રિજની નીચે પડ્યાં રહે છે. પોલીસે બાતમીદારોના માધ્યમથી તપાસ કરી તો જાણવા મળ્યું કે, દરેક બાળક ભીખ માગીને રોજના ત્રણસોથી ચારસો રૂપિયા કમાઈ લાવે છે અને એની આવકથી જ એમના માતા-પિતાનું જીવન આરામથી ચાલી રહ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી એકત્રિત કર્યા પછી પોલીસે આજે જુદીજુદી ટીમ બનાવીને એક સાથે ૧૧ સ્થળોએ સામૂહિક એક્શન લઈને ભીખ માગતાં બાળકોને પકડવાના શરૂ કર્યાં. થોડી દોડધામ થઈ, થોડો વિરોધ થયો, થોડો હોબાળો પણ થયો. પરંતુ, કાર્યવાહીને અંતે ગણતરી માંડી તો ૩૯ બાળકો પોલીસના હાથમાં આવી ગયા. તમામ બાળકોને સમાજ સુરક્ષા અધિકારીને સાથે રાખીને બાળ ગોકુલમમાં શિફ્ટ કરવામાં આવ્યા. અહીં, બાળકોના નામ, સરનામા અને એમના માતા-પિતા વિશે અછળતી માહિતીઓ લેવામાં આવી. પોલીસ હવે, એમના માતા-પિતાની તલાશમાં છે. કેટલાક માતા-પિતા તો બાળકોને પાછા લેવા માટે બાળ ગોકુલમની બહાર પહોંચ્યા હતા. તેમને બાળકોની ચિંતા હોય એવુ જરાંય નથી, પણ એમના ઘરની આવક છીનવાઈ જશે એવી તકલીફ છે. પોલીસ આ કેસમાં બિલકુલ મક્કમ છે. માતા-પિતાના નિવેદન લીધા વિના એકપણ બાળકને સોંપવાની નથી.

ભીખ માગવા ભૂલકાઓ રૂપિયા ૨૫૦ના ભાડે મળે છે?

તમે જાે રોજ નિયત સમયે શહેરના કોઈ ચાર રસ્તા પરથી પસાર થતા હોવ તો તમને કોઈ મહિલા હાથમાં પાંચ-સાત મહિનાનું બાળક ઉંચકીને ભીખ માંગતી જરૂર નજર આવશે. તમે જાે એ જ રસ્તેથી રોજ પસાર થતા હશો તો ધ્યાન આપજાે મહિલા એ જ હશે અને એની પાસે બાળક પણ એટલુંને એટલું જ હશે. તમે કદાચ એકાદ વર્ષ પછી પણ જાેશો તો એ બાળક મોટું થતુ હોય એવુ લાગશે જ નહીં. વાસ્તવિકતામાં ભીખ માંગવા માટે બાળકો ભાડે આપવાનો ખતરનાક કારોબાર ચાલી રહ્યો હોય તેવી પોલીસને આશંકા છે. કહેવાય છે કે, શહેરના ચાર રસ્તા પર તથા ટ્રેનોમાં ભીખ માગવાં માટે રોજના રૂપિયા ૨૫૦માં બાળક ભાડે અપાઈ રહ્યા છે. ભીખ માગવાં જતાં પહેલા ભાડૂતી બાળકને અફિણ ચટાડી દેવામાં આવે છે,જેનાથી બાળક આખોય દિવસ નશામાં ઊંઘ્યા જ કરે છે. અને ભીખ માગવામાં અડચણ ઉભી કરતું નથી. બાળકોને ભાડે આપવાના ખતરનાક નેટવર્કનો પર્દાફાશ થાય તેવી પોલીસને આશા છે.

રસ્તા પર ભીખ માગીને જીવવા કરતાં બાળકો સ્કૂલે જાય એવો પ્રયાસ

આપણે જેને સ્ટ્રીટ ચિલ્ડ્રન સમજીએ છીએ એનો વાસ્તવમાં પરિવાર છે. એ બાળક એકલું નથી પણ એના મા-બાપ અને ભાઈ-બહેન પણ હોય છે. વડોદરા શહેરના લગભગ છ ઓવરબ્રિજાેની નીચે એમના પરિવારનો વસવાટ છે. આવા બાળકોને સમાજની મુખ્યધારામાં લાવવાનો પોલીસનો પ્રયાસ છે. રસ્તા પર ભીખ માગીને જીવવા કરતા બાળકો સ્કૂલે જાય અને એમના બાળમિત્રો સાથે રમતગમતમાં ધ્યાન આપે તેવી ઈચ્છા પોલીસની છે અને એટલે જ પોલીસ આવા બાળકોને પકડીને એમના માતા-પિતા સુધી પહોંચવા ઈચ્છે છે. એકવખત બાળકની ઓળખ મળી જાય ત્યારપછી એને મુખ્યધારામાં જાેડવામાં મદદ મળી શકશે.

પોલીસની બાળકો સાથે ઘરોબો કેળવી અંદરની વાત જાણવાની કોશિશ

નાના-નાના કુમળા બાળકોના ભીખ માંગવાના કિસ્સામાં પોલીસને ક્રિમિનલ એન્ગલ દેખાઈ રહ્યો છે. પોલીસને આશંકા છે કે, બાળકોને ભીખ મંગાવવા માટે શહેરમાં કોઈ ચોક્કસ નેક્સસ કામ કરી રહ્યુ છે. પોલીસ આ નેક્સસના મૂળ સુધી પહોંચવા માગે છે. અને કદાચ આ કારણથી જ પોલીસે બાળકોને રેસ્ક્યૂ કર્યા છે. હાલમાં પોલીસની એક ટીમ બાળકોની સાથે ઘરોબો કેળવીને અંદરની વાત જાણવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ પોલીસની બીજી ટીમ એમના માતા-પિતાના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી રહી છે. જાે, બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જણાશે તો પોલીસ એમાં ઉંડી તપાસ કરીને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

બાળકોનો ઉ૫યોગ ક્રિમિનલ એક્ટિવિટી માટે થયો છે?

પોલીસને આશંકા છે કે, માતા-પિતા એમના બાળકો પાસે બીજી કોઈ ક્રિમિનલ એક્ટિવિટી પણ કરાવતા હોવા જાેઈએ. જેથી પોલીસે તમામ બાળકોના માતા-પિતાઓને નિવેદન માટે બોલાવ્યા છે. પોલીસ તમામની પાસેથી બાળકોના જન્મના પુરાવા માંગવાની છે. પોલીસને એવી પણ આશંકા છે કે, કોઈ માતા-પિતાએ બીજાના બાળકને ચોરી લીધા હોવા જાેઈએ. નાના બાળકોને ભિક્ષા મંગાવવાનું હીન કૃત્ય કરનારા તમામ વાલીઓને પોલીસ એમની ભાષામાં પૂછપરછ કરવાની છે.