લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
વડોદરા |
2079
શહેરના વાઘોડિયારોડ પર રહેતા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજરને ત્રણ માસ અગાઉ ઠગ ટોળકીએ બેંક ઓફ બરોડાના એચઆર ડિપાર્ટમેન્ટના કર્મચારીના નામે ફોન કરીને બેંકના નિવૃત્ત કર્મચારીઓ માટે સ્કીમના કાર્ડ કાઢ્યા છે તેવી વાત કરીને દોઢ કલાક સુધી વીડિયોકોલ કરીને નિવૃત્ત મેનેજર અને તેમના પત્નીની ૧૧ એફડી પર ૧૮.૯૫ લાખની લોન લઈ લોનના નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હતી.
વાઘોડિયારોડ પર નિલેશ પાર્ક સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષીય ભુપેશચંદ્ર પિનાકીનપ્રસાદ દવેએ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘હંુ મારા પરિવાર સાથે રહુ છું અને ગત ૨૦૧૩માં બેન્ક ઓફ બરોડામાંથી મેનેજરના પદે રિટાયર્ડ થઈ હાલમાં નિવૃત્ત જીવન ગુજારુ છું. ગત ૧૭મી જાન્યુઆરીના બપોરે હું દાંડિયાબજારથી મારા ઘરે જતો હતો તે સમયે મારા મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને કોલ કરનારે જણાવ્યું હતું કે હું બેંક ઓફ બરોડાની હેડઓફિસ અલકાપુરીથી એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છું. તેણે મને રિટાયર્ડ કર્મચારીઓ માટેની સ્કીમની વિગતો મોકલવાનું કહીને બોબ એચઆરએમએસ વેરીફિકેશન. એપીક ગ્રુપ લીંક ટાસ્ક અર્નીંગ લીંક નામની એપીકે ફાઈલ વોટ્સએપ પર મોકલી હતી.
આ એપીકે ફાઈલ ઓપન કરતાં તેમાં બેંક ઓફ બરોડા પેન્શન કાર્ડ વગેરે લખેલું હતું અને ત્યારબાદ વોટ્સએપ કોલ કટ થયો હતો. ત્યારબાદ ફરીથી આ જ નંબર પર વીડિયોકોલ આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે મોબાઈલ ફોન કટ ના કરતા. મને ફોન ચાલુ રાખવાનું કહીને ચાલુ ફોન ઉપર મારુ નામ સરનામાની વિગતો એપીકે ફાઈલમાં આવેલા ફોર્મમાં ભરી હતી અને ફોન દોઢેક કલાક ચાલ્યો હતો અને આ દરમિયાન મારો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ફોન કટ થતાં જ મને મારા બેંક ખાતામાંથી પૈસા કપાયેલાના ઓટીપીના નોટીફિકેશન આવવાની શરૂઆત થઈ હતી જેથી મને ખબર પડી હતી કે મારા તેમજ મારી પત્નીના બેંક ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવ્યા છે. ત્યારબ૬ાદ મે મારા બેંક ખાતાઓનું ઓનલાઈન સ્ટેટસ જાેતા તેમાં ૧૦ ટ્રાન્જેકશન દ્વારા અમારી ૧૧ ફીક્સ ડિપોઝીટ પર લોન લઈને ગઠિયાએ કુલ ૧૮,૯૫,૨૨૮ રૂપિયા ટ્રાન્સફર કરીને ઉપાડી લઈ છેતરપિંડી કરી છે.’ આ ફરિયાદના પગલે પોલીસે નિવૃત્ત મેનેજર સાથે ઠગાઈ કરનાર મોબાઈલ ફોન નંબરધારક અને નાણાં ટ્રાન્સફર થયેલા એકાઉન્ટ ધારક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.