વડોદરા, તા.૩

બરોડા ક્રિકેટ એસોસિએશનની આ વર્ષે યોજાનારી ચૂંટણી ના પડઘમ શરૂ થઇ ગયા છે. ત્યારે વેરવિખેર થયેલા રિવાઇવલ જૂથને ફરી ભેગું કરવા પ્રણવ અમીન કામે લાગ્યા હોય તેમ બીસીએના ખર્ચે કોટંબી ખાતે રિવાઇવલ જૂથ માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમજ આ એપેક્સની મંજૂરી વગર કાર્યક્રમનું આયોજન કરીને નારાજ સભ્યોને મનાવવાનો ખેલ હોવાનું બીસીએ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ ટીમોના પ્રદર્શનમાં ખાસ સુધારો જાેવા મળ્યો નથી. ત્યારે બીસીએના વહિવટકર્તાઓ ક્રિકેટનું સ્તર સુધરે તે માટેના પ્રયાસો કરવાને બદલે માનીતાઓને છાવરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને મનસ્વી રીતે ચલાવાના વહિવટને લઇને સત્તાધારી રિવાઇવલ જૂથના જ કેટલાક સભ્યો જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

 આ વર્ષે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીના પડઘમ વચ્ચે નારાજ સભ્યોના કારણે વેરવિખેર થયેલા રિવાઇવલ જૂથને ફરી ભેગું કરવા બીસીએના પ્રમુખ પ્રણવ અમીને પ્રયાસો શરૂ કર્યા છે અને આ માટે જ તેમણે નારાજ સભ્યોને મનાવવા એપેક્સ કાઉન્સિલની મંજૂરી વગર તા. પાંચમી મેના રોજ સાંજે કોટંબીમાં બની રહેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ વખતે રિવાઇવલ જૂથના ડિનરનું આયોજન બીસીએના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આમ બીસીએમાં પાછલા બે-અઢી વર્ષમાં ક્રિકેટમાં સુધારને બદલે દિશાહિન વહિવટના કારણે ક્રિકેટના કથળી રહેલા સ્તરને જાેતાં નારાજ રિવાઇવલ જૂથને ફરી ભેગું કરવા મટે ડિનર ડિપ્લોમસીનું આયોજન કરાયું હોવાનું બીસીએ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. સામાન્ય રીતે આવા કોઇ આયોજનો માટે એપેક્સ કમિટીની મંજૂરી લેવામાં આવે છે. પરંતુ કોઇ મંજૂરી મેળવ્યા સિવાય આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે બીસીએ દ્વારા બનાવાયેલી વિવિધ કમિટીઓના સભ્યોને તેમની કમિટીને લગતા વિષયો પર પણ કોઇ મત મેળવ્યા સિવાય બારોબાર નિર્ણયો લેવાતાં કેટલાક સભ્યોએ સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરીને રાજીનામુ પણ આપ્યું હતું અને ચૂંટણીમાં અલગ ચોકો રચવાની તૈયારી કરી છે.

શું રિવાઇવલ જૂથે જ બીસીએના સભ્યો છે?

બીસીએના પ્રમુખ પ્રણવ અમીને આગામી ચૂંટણી પહેલાં નારાજ સભ્યોને મનાવવા ડિનર ડિપ્લોમસી અપનાવીને તા.૫મીએ કોટંબી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડિનર ડિપ્લોમસીનું આયોજન કર્યું છે. તેમાં ઓફિસ બેરર્સ, એપેક્સ કાઉન્સિલના સભ્યો અને રિવાઇવલ જૂથના કેટલાક સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ત્યારે બીસીએમાં શું રિવાઇવલ જૂથના જ સભ્યો જ બીસીએના મેમ્બર છે? આવો ભેદભઆવ કેમ? તેવી ચર્ચાઓ થઇ રહી છે.

એપેક્સની મંજૂરી વગર ઓફિસ બેરર્સના નામે આમંત્રણ અપાયાં!

સામાન્ય રીતે કોઇપણ કાર્યક્રમ કે આયોજન કરવાના હોય તો બીસીએની એપેક્સ કાઉન્સિલની મંજૂરી જરૂરી હોય છે. પરંતુ તા.૫મી મે ના રોજ કોટંબી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા ડિનરના આયોજન અંગે એપેક્સ કાઉન્સિલના કેટલાક સભ્યો અજાણ હોવાનું જાણવા મળે છે તેમજ એપેક્સ કાઉન્સિલની મંજૂરી વગર માનીતાઓને જાણ કરીને આ સમગ્ર આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.

ડિનર ડિપ્લોમસી પહેલાં નારાજ સભ્યો સાથે ડિનર કર્યું!

બીસીએના પ્રમુખ પ્રણવ અમીને રિવાઇવલ જૂથના વેરવિખેરસભ્યોને ફરી ભેગા કરવા કે કોટંબી ખાતે તા.૫મીએ ડિનરનું આયોજન કર્યું છે. ત્યારે તે પૂર્વે નારાજ થઇને કમિટીમાંથી રાજીનામુ આપનાર સિનિયર ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ અને ડો.દર્શન બેંકર સાથે ડિનરનું આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે. તેઓ નારાજ થઇને અલગ ચોકો ન રચે તે માટે મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં અઆ બેઠક થઇ હોવાનું જાણવા મળે છે. જાેકે પ્રમુખે કેટલાક નારાજ સભ્યોને ડિનરમાં બોલાવાની વાત બહાર આવતાં રિવાઇવલ જૂથમાં આશ્ચર્ય ફેલાયું હતું.