દિલ્હી-

કોરોના મહામારી વચ્ચે રસીના ઉત્પાદન અને પોતાના નાગરિકોને કોરોનાની રસી સૌથી પહેલા આપવાની ગળાકાપ વૈશ્વિક હરીફાઇને કારણે વિશ્વની માત્ર 13 ટકા વસતિનું પ્રતિનિધિત્વ કરતા ધનિક દેશોએ 50 ટકાથી પણ વધુ કોરોના રસીનો સ્ટોક પહેલેથી ખરીદી લીધો છે. ઓક્સફેમ નામના સંગઠનના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. ઓક્સફેમના રિપોર્ટ મુજબ, 5 અગ્રણી રસીઉત્પાદકો હાલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. તેઓ લગભગ 5.9 અબજ ડોઝ સપ્લાય કરવા સક્ષમ છે, જે લગભગ 3 અબજ લોકો માટે પૂરતા છે. જોકે એમાંથી લગભગ 51 ટકા ડોઝ અમેરિકા, બ્રિટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇઝરાયેલ જેવા ધનિક દેશોએ પહેલેથી બુક કરી રાખ્યા છે, બાકીના 2.6 અબજ ડોઝ ભારત, બાંગ્લાદેશ, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા વિકાસશીલ દેશોએ ખરીદ્યા છે અથવા ખરીદવાનું વચન આપ્યું છે.