જનમહેલમાં જવા રસ્તો બંધ કરી દેવાયો
04, જાન્યુઆરી 2022 198   |  

વડોદરા, તા.૩

વડોદરામાં રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહેલ સિટીબસ હબમાં સિટી બસના રૂટ મુજબ ટાઈમટેબલ અગાઉ જે લગાવ્યા હતા, એ ટાઈમટેબલ થોડા સમય અગાઉ નીચે ઉતરાવી લીધા હોવાથી મુસાફરોને મુશ્કેલી પડે છે. હજી ટાઈમટેબલો લગાવવાનો પ્રશ્ન હલ થયો નથી, ત્યાં તો મુસાફરોને જનમહેલના મેઈન ગેટથી સિટી બસો જ્યાંથી બહાર નીકળે છે ત્યાંથી આવવા-જવાનું બંધ કરી દેવાતાં મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

સિટી બસ સ્ટેશને જતા-આવતા મુસાફરોને પાછળથી ફરીને આવવાનું કહેવામાં આવે છે અને આ માટે સિક્યુરિટી અને બાઉન્સર ગોઠવી દેવાયા છે. સિટીબસનું જૂનું બસ સ્ટેશન હતું તેની સામે જનમહેલનો મુખ્ય ગેટ છે, ત્યાંથી સિટી બસો બહાર નીકળે છે. મુસાફરો સામાન્ય રીતે અહીંથી આવ-જા કરતા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી મુસાફરોને અહીંથી નીકળવા માટે એકાએક પ્રતિબંધ ફરમાવી જનમહેલના પાછળના ભાગથી ફરીને જવું તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે. પાછળની સાઈડમાં જનમહેલમાં આવતી સિટી બસનો જે એન્ટ્રીનો રસ્તો છે ત્યાંથી પણ મુસાફરોને પસાર થવા દેવાતા નથી અને ફરજિયાત એસટી ડેપોમાં થઈને સિટીબસ માટે જવા સૂચના આપવા બાઉન્સરો અને સિક્યુરિટીને મુકવામાં આવ્યા છે. આમ દૂર ફરીને આવવું પડતું હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

મુસાફરો રજૂઆતો કરવા દોડી આવે છે એમ કહેતાં સિટી બસ સંચાલકે જણાવ્યું હતું કે અગાઉ ટાઇમટેબલ મુકવાનો પ્રશ્ન હલ થયો નથી, ત્યાં આ બીજી મુસિબત શરૂ થઇ છે. મુસાફરો માટેનો સરળ રસ્તો બંધ થતાં તેઓ પણ તકલીફ અનુભવી રહ્યા છે. અમારું પણ કોઈ સાંભળતું નથી. કેમ કે અગાઉ ટાઈમટેબલ મૂકવા માટેની લેખિત રજૂઆત કરવા છતાં પણ હજી તે પ્રશ્ન હલ થયો નથી, પાર્કિંગની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરી છે, પરંતુ તેનુંુ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution