લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
2178
શહેરમાં ફરી એક વખત શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને મોટી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં એક પરિવાર પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.આ બાબતે ભોગબનનારે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરીયાદી અને તેના પરિવારને શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને આકર્ષક રિટર્ન આપવાની વાત કરી હતી. આ લાલચમાં આવીને ફરીયાદી પરિવારએ કુલ ૫.૩૦ કરોડ રૂપિયા આરટીજીએસ મારફતે આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જાેકે, તપાસમાં ખુલ્યું કે, આ રકમ શેર બજારમાં રોકાણ કરવામાં આવી જ નહોતી. આરોપીઓએ આ પૈસા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા. એટલું જ નહીં, ફરીયાદીને વિશ્વાસમાં રાખવા માટે આરોપીઓએ પોતાની જ બનાવેલી એપમાં ખોટો ડેટા બતાવ્યો હતો, અને જાણીતી બ્રોકિંગ કંપનીના નામે ફેક એકાઉન્ટ બનાવી ભ્રમ ફેલાવ્યો હતો. જ્યારે ફરીયાદીએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ માત્ર ૨.૭૩ કરોડ રૂપિયા જ પરત આપ્યા હતા, જ્યારે હજુ પણ ૨.૫૭ કરોડ રૂપિયા બાકી રહ્યા છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ તુષાર એલ.બારોટે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીઓના બેંક ખાતાની વિગતવાર તપાસ, પૈસાની રિકવરી અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે રિમાન્ડ જરૂરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓના કુલ ૪૭ બેંક ખાતા છે, જેના માધ્યમથી મોટા પાયે નાણાંની લેવડ-દેવડ કરવામાં આવી હતી. સાથે જ આરોપીઓ સામે ચેક બાઉન્સના ૨૧ કેસો પણ નોંધાયેલા છે, જે તેમની આર્થિક પ્રવૃત્તિઓ પર સવાલ ઊભા કરે છે. કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોપી મિહિર પરીખના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ધારા પરીખ અને ગીતા પરીખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.