આરટીઓ કચેરીમાં ઝેરી ગૅસ ભરેલા ૧૩ બોંબ બ્લાસ્ટની ધમકીથી દોડધામ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   વડોદરા   |   1683

શહેરની સ્કુલો, કોલેજ, યુનિ. અને કોર્ટ બાદ હવે આજે સવારે આરટીઓ કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેને પગલે પોલીસ તંત્ર વધુ એક વાર દોડતું થયું હતું. ઈમેલમાં આરટીઓમાં ઝેરી ગેસ ભરેલા ૧૩ બોમ્બ ફુટશે અને ત્યાં સુધીમાં ફક્ત મુસ્લીમોને જ ખાલી કરાવો તેવી ધમકી આપવામાં આવી હોઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમે આરટીઓ સંકુલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતું આ વખતે પણ કોઈ વાંધાજનક ચીજ નહી મળતાં આ ઈમેલ પણ બોગસ ધમકી હોવાનું સપાટી પર આવ્યું હતું.

શહેરના છેવાડે હાઈવે પર દરજીપુરા પાસે આવેલા આરટીઓ કચેરીમાં મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સ્મિત સુથાર આજે સવારે સવા દસ વાગે આરટીઓ કચેરીના ટેસ્ટીંગ ગ્રાઉન્ડ પર હાજર હતા તે સમયે તેમને આરટીઓ કેતન ખપેડે ફોન કરીને જાણ કરી હતી કે અમે આરટીઓ ઓફિસના મેઈલ પર આરટીઓમાં બોમ્બ મુકવા સંબંધે ધમકીભર્યો મેઈલ આવેલો છે જેથી ટેસ્ટીંગની કામગીરી બંધ કરી અરજદારોને બહાર કઢાવો.

આ સુચનાના પગલે લાયસન્સ મેળવવા માટે વાહનના ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી માટે આવેલા લોકોને તુરંત આરટીઓ ગેટની બહાર રવાના કરાયા હતા. ત્યારબાદ સ્મિત સુથારે આરટીઓની ઓફિસમાં જઈ તપાસ કરી હતી જેમાં કોઈ અજાણી વ્યકિત દ્વારા કિરુથીગા ડોટ ઉદયનિધિ એટ ધ રેટ હોટમેઈલ ડોટ કોમ પરથી આરટીઓના સત્તાવાર ઈમેલઈ પર સવારે ૪.૧૩ વાગે એક ઈમેઈલ મોકલ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે બપોરે ૧૧.૫૦ વાગે આરટીઓમાં ઝેરી ગેસ ભરેલા ૧૩ બોમ્બ ફુટશે, ત્યાં સુધીમાં ફક્ત મુસ્લીમોને જ ખાલી કરાવો.

આ ધમકીભર્યા ઈમેઈલની પોલીસને જાણ કરાતાં જ હરણી પોલીસનો કાફલો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીએસ)અને ડોગ સ્કવોડની ટીમનો કાફલો આરટીઓ કચેરીમાં દોડી ગયો હતો. બીડીએસ અને ડોગ સ્કવોર્ડની ટીમના શ્વાનોએ આરટીઓ કચેરી તેમજ કચેરીના સમગ્ર સંકુલમાં ઝીણવટભરી તપાસ કરી હતી પરંતું કોઈ પણ જગ્યાએથી બોંબ કે કોઈ વાંધાજનક ચીજવસ્તુ નહી મળતાં તમામે રાહતનો દમ લીધો હતો.

આજે સવારે કામધંધો છોડીને ડ્રાઈવીંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારોને રવાના કરવામાં આવતા તેઓને ધક્કો પડ્યો હતો. આ બનાવની સ્મિત સુથારની ફરિયાદના પગલે હરણી પોલીસે આરટીઓ કચેરીમાં ધમકીભર્યો ઈમેઈલ મોકલનાર અજાણી વ્યકિત અને જે એડ્રેસ પરથી ઈમેઈલ મોકલાયો હતો તેના ધારક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution