રશિયા આ વર્ષે ભારતને આપશે 'બ્રહ્માસ્ત્ર' એસ-400, ભારતીય સૈનિકોની ટ્રેનિંગ શરૂ
05, ફેબ્રુઆરી 2021 396   |  

દિલ્હી-

રશિયાએ જાહેરાત કરી છે કે તે આ વર્ષના અંત સુધીમાં ભારતને એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સમયસર પહોંચાડશે. એસ -400 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવનારી રશિયન કંપની રોસોબરોન એકસપોર્ટે જણાવ્યું હતું કે ભારત સાથેનો કરાર યોગ્ય સમયમાં પૂર્ણ થશે. અગાઉ રશિયન આર્મીના તકનીકી સહકાર મામલાના ડિરેક્ટર વ્લાદિમીર દ્રોઝઝોવે ખુલાસો કર્યો હતો કે ભારતીય સેનાના નિષ્ણાતોએ આ 'બ્રહ્માસ્ત્ર' ચલાવવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.

દ્રોઝઝોવે એમ પણ કહ્યું હતું કે આ સિસ્ટમ આ વર્ષના અંત સુધીમાં ભારતને આપવામાં આવશે. તેમણે કહ્યું, 'ભારતીય નિષ્ણાતો રશિયા પહોંચી ગયા છે અને તેમણે એસ -400 ચલાવવાની તાલીમ શરૂ કરી દીધી છે. ભારતે 2015માં રશિયા સાથે એસ -400 ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ઓક્ટોબર 2018માં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

જણાવી દઈએ કે રશિયાને પોતાનો દુશ્મન નંબર વન ગણાવનારા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન એસ -૪૦૦ ડીલ પર ભારતને મોટો ઝટકો આપી શકે છે. રશિયા પાસેથી અત્યાધુનિક એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ર્નિણય પર ભારત દ્રઢ છે, પરંતુ યુએસ આ સોદાનો સખત વિરોધ કરી રહ્યું છે. એટલું જ નહીં, હવે એવો ભય પણ છે કે બાઇડન તુર્કીની જેમ ભારત પર પણ કડક પ્રતિબંધ લગાવી શકે. એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હવે મોદી સરકાર અને બાઇડન પ્રશાસન વચ્ચેની મિત્રતામાં મોટો 'કાંટો' બની ગયો છે.

ભારત રશિયા પાસેથી 5.6 અબજ ડોલરમાં એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લઈ રહ્યું છે. એટલું જ નહીં, ભારત રશિયાના શસ્ત્રોનો મોટો ગ્રાહક છે. ભારતે અમેરિકાની ઓફર નકારીને રશિયન સિસ્ટમ પર દાવ લગાડ્યો છે. ચીન અને પાકિસ્તાન તરફથી મળેલી ધમકીને ધ્યાનમાં રાખીને ભારતે તેની સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે આ કર્યું છે. તાજેતરમાં જ ચીને ભારતીય સીમા પર એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ ગોઠવી હતી. આને કારણે, ભારતને આ સિસ્ટમની વધુ જરૂર છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution