શહેરમાં રહેતા વેપારીને ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને જંગી નફો કમાવવાની લાલચ આપતી લીંક મોકલાવ્યા બાદ વેપારીને વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરીને વિવિધ કંપનીઓના શેર અને આઈપીઓ ખરીદવા માટે નાણાં ટ્રાન્સફર કરાવીને ૩૭.૮૫ લાખની ઠગાઈ કરનાર ગેંગને પોતાનું બેંક ખાતું નાણાં ટ્રાન્સફર કરવા માટે આપીને કમિશન મેળવનાર સાગરીતને સાયબર ક્રાઈમની ટીમે અમદાવાદથી ઝડપી પાડી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.શહેરમાં રહેતા રાજીવભાઈ ચૈાહાણે થોડાક સમય અગાઉ ફેસબુક એકાઉન્ટ સર્ચ કરતી વખતે શેર માર્કેટની એડ ક્લિક કરી હતી જેમાં તેમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ઠગટોળકીના વોટ્સએપ ગ્રુપમાં જાેઈન્ટ થતાં જ રાજીવભાઈને શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે એક વેબસાઈટ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવી તેમના નામ સરનામા અને બેંક ખાતાની તમામ વિગતો મેળવાઈ હતી. ત્યારબાદ ટોળકીએ તેમને આઈપીઓ અને શેર ખરીદવા માટે વોટ્સએપ પર મેસેજ મોકલ્યા હતા જેના પગલે રાજીવભાઈએ એપ્લીકેશન મારફત નાણાં જમા કરાવતા તેમને આઈપીઓ લાગ્યા છે તેવી જાણ કરાઈ હતી. ઠગ ટોળકીએ શેર અને આઈપીઓમાં રોકાણ કરીને નફો થયો છે તેમ કહી તેમના બેંક ખાતામાં ૮.૧૪ લાખ જમા કરાવ્યા હતા અને આ રીતે તેમને વિશ્વાસમાં લઈને ઠગ ટોળકીએ તેમની પાસેથી કુલ ૪૬ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ રાજીવભાઈએ રોકાણના નાણાં ઉપાડીને પરત આપવાનું કહેતા ઠગ ટોળકીએ ફોન સ્વીચઓફ કરી દઈ પૈસા પરત નહી કરી કુલ ૩૭,૮૫,૧૨૫ રૂપિયાની છેતરપિંડી કરી હતી જે બનાવની રાજીવભાઈએ સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજીવભાઈએ ટ્રાન્સફર કરેલા નાણાં અમદાવાદના ચાંદખેડામાં રહેતા ૩૬ વર્ષીય અમિત જયંતિલાલ પીઠડિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની વિગતો મળતા પોલીસે તપાસનો દોર અમદાવાદમાં લંબાવીને અમિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે અમિતને કોર્ટમાં રજુ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં અમિત ઠગટોળકીનો સાગરીત હોવાની અને તેણે લોકો પાસેથી ઠગાઈ કરેલા નાણાં પોતાના બેંક ખાતામાં ઓનલાઈન જમા કરાવવા માટે ઠગટોળકી પાસેથી તગડુ કમિશન મળ્યું હોવાની વિગતો મળી હતી.
અમિતના બેંક ખાતામાં દોઢ કરોડથી વધુની લેવડદેવડ
અમિત પીઠડિયાએ ઠગ ટોળકીને પોતાનું બેંક એકાઉન્ટ ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે આપ્યા હતા જેમાં ઠગ ટોળકીએ વિવિધ રાજયોના લોકો સાથે કરેલા નાણાં અમિતના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને તેને તુરંત ઉપાડી લીધી હતા. ઠગટોળકીએ અમિતના ખાતામાં દોઢ કરોડથી વધુની લેવડદેવડ કરી હોઈ તેની સામે અમિતને કેટલુ કમિશન મળ્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
નેશનલ પોર્ટલ પર વિવિધ રાજ્યની ૨૭ ફરિયાદ થઈ છે
અમિત પીઠડિયાના બેંક ખાતાનો ઉપયોગ કરનાર ઠગટોળકીએ વિવિધ રાજયના રહીશો પાસેથી શેર અને આઈપીઓ ખરીદવાના બહાને પડાવેલા કરોડો રૂપિયા અમિતના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઠગટોળકી સામે નેશનલ પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાંથી કુલ ૨૭ ફરિયાદો નોંધાઈ છે જેમાં અમિતના બેંક ખાતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમિત પાસેથી ૩૦ ચેકબુક અને ૪૦થી વધુ સીમકાર્ડ જપ્ત
ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગનો સાગરીત અમિત પીઠડિયાની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરતા તેની પાસેથી ૩૦થી વધુ ચેકબુક, ૪૦થી વધુ સીમકાર્ડ તેમજ ડેબિટ કાર્ડસ, બેંક પાસબુકો અને હિસાબો લખેલી ડાયરીઓ, મોબાઈલ ફોન અને સ્ટેમ્પ મળી આવતા અમિત રીઢો ગુનેગાર હોવાનું તેમજ તે માત્ર કમિશન માટે પોતાનું બેંક ખાતું ટોળકીને આપવાના ગુનામાં જ નહી પરંતું ઠગાઈ કરવા માટેના કાવત્રામાં પણ સામેલ હોવાનું મનાઈ રહ્યું છે.
Loading ...