વડોદરા, તા. ૨૮

બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પગલે સમગ્ર રાજ્યમાં હોબાળો મચ્યો છે અને શાસકપક્ષ ભાજપા પર માછલા ધોવાઈ રહ્યા છે તેવા સમયે વડોદરાના કરજણ તાલુકાના ચોરંદાના જિલ્લા પંચાયતના સભ્યના ઘરમાં જ દેશી દારૂનું વેચાણ થતું હોવાના વિડીઓ સોશ્યલ મિડિયા પર વાયરલ થતા કરજણ પોલીસે જિલ્લા પંચાયતના સભ્યના ઘરે દરોડો પાડી તેની માતાની દેશી દારૂ સાથે ધરપકડ કરતા જિલ્લાના રાજકિય બેડામાં પણ ગરમાવો આવ્યો છે.

કરજણ તાલુકાના ચોરંદા જિલ્લા પંચાયતની સીટ પર વિજેતા બનેલા ભાજપાના સભ્ય જીગ્નેશ વસાવાના સોમજ દેલવાણા ગામ સ્થિત રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓનું વેચાણ થતું હોવાના વિડીઓ તાજેતરમાં વાયરલ થતા ચકચાર મચી હતી. આ વિડીઓ વાયરલ થતાં જ જીગ્નેશ વસાવાની પત્ની અને મજુરો ફરાર થયા હતા. દરમિયાન બોટાદના લઠ્ઠાકાંડના પગલે કરજણ પોલીસે ગઈ કાલે બપોરે સોમજ દેલવાણા ગામે જીગ્નેશના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં જીગ્નેશની માતા શોભનાબેન ભીખાભાઈ વસાવા ઘરમાં દેશી દારૂનું વેચાણ કરતા રંગે હાથ ઝડપાઈ હતી.

 ભાજપાના સભ્યની માતા દેશી દારૂ વેંચતા ઝડપાતા જ જિલ્લા ભાજપાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પોલીસે શોભનાબેન વસાવા પાસેથી વાડાના ભાગેથી એક પ્લાસ્ટીકના કેનમાં ભરેલો ૧૬૦ રૂપિયાની કિંમતનો આઠ લીટર દેશી દારૂ જપ્ત કરી શોભનાબેન વસાવાની ધરપકડ કરી હતી. જાેકે પોતાના ઘરમાં દેશી દારૂનું વેચાણ થતું હોવા છતાં ચુપકિદી સેવતા જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવા સામે જિલ્લા ભાજપ શું બરતરફના પગલા લેશે ? તે મુદ્દે રાજકિય બેડામાં પણ ગરમાવો આવ્યો છે.