ચુણેલના સરપંચે તકલાદી બ્લૉક ઉખાડવાનું શરૂ કર્યું!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2020  |   2871

મહુધા : મહુધા તાલુકા વિસ્તારમાં કૌભાંડો અટકવાનું નામ લેતાં નથી! વર્ષોથી કર્મચારીઓ અને તાલુકાના કોન્ટ્રેક્ટરોના મેળાપીપણામાં સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યાં છે. મહુધાના મહિલા તાલુકા વિકાસ અધિકારીએ એક પછી એક કૌભાંડોનો ભાંડો તપાસ કરીને ફોડી દીધો છે. મહુધા તાલુકાના અલીણા ગ્રામપંચાયતના સરપંચ અને તલાટીને હલકી ગુણવત્તા ધરાવતાં બ્લોક્સ નાખવાના કારણે નોટિસ ફટકાર્યા બાદ વધુ એક ચુણેલના સરપંચ અને તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે. મહિલા અધિકારીના સચોટ ર્નિણયથી ઘબરાયેલાં તલાટી અને સરપંચે તકલાદી બ્લોક ઉખાડવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી જાેવા મળી છે. ગામના જ ચૂંટાયેલા સરપંચ દ્વારા કરવામાં આવતી ગેરરીતિને પગલે લોકોમાં ગુસ્સો પણ જાેવાં મળ્યો છે. મહુધા તાલુકા વિકાસ અધિકારી રાજ્ય સરકારના પારદર્શી વહીવટની અમલવારી કરાવવામાં સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત થઈ ગયાં છે.  

અલીણાના સરપંચ અને હવે ચુણેલના સરપંચ વિરુદ્ધ આવેલી વિકાસના કામોની ફરિયાદના પગલે મહિલા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી તાલુકાના મદદનીશ ઈજનેર પાસે ફાઈલો મગાવી હતી. તેમાં આપવામાં આવેલાં રિપોર્ટની ખરાઈ કરવામાં આવતાં બ્લોક હલકી ગુણવતા અને તકલાદી જણાયાં હતાં. ટીડીઓ દ્વારા બ્લોકના પુનઃ ટેસ્ટિંગ કરવામાં આવતાં એસ્ટિમેટ કરતાં ખુબ જ હલકાં હોવાનો રિપોર્ટ આવ્યો હતો. મહુધા તાલુકાના ખઈબદેલા કર્મચારીઓ અને રાજકીય પક્ષો સાથે સંકળાયેલા સરપંચો દ્વારા સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાલુકામાં મુખ્ય વહીવટી અને અમલીકરણ અધિકારી દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે. તેના પગલે લગભગ જિલ્લાભરમાં ભારે ચકચાર મચી છે. મહુધાના નિષ્ઠાવાન અધિકારી દ્વારા કોઈપણ પ્રકારના રાજકીય દબાણો કે અધિકારીઓની સેહશરમ રાખ્યાં સિવાય શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. જાેેકે, જિલ્લાભરમાં દરેક તાલુકા પંચાયતો અને ગ્રામપંચાયતોમાં આવા ગોરખધંધા ચાલી રહ્યાં હોવાનો હવે લોક મોંઢે ગણગણાટ થઈ રહ્યો છે. મહુધાનાં મહિલા અધિકારીની જેમ કોઈ હિમ્મત દર્શાવી શકતા નથી. રાજકીય હાથા બનીને સરકારી નાણાંની ખાયકીના ખેલમાં બરોબર સામેલ બની રહે છે. એક તરફ રાજકીય નેતા અને કોન્ટ્રેક્ટરો સાથેના મીઠાં સંબંધોના કારણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની કર્મયોગીના મશ્કરી સમાન ફરજ બજાવી રહ્યાં છે. ખેડા જિલ્લામાં સુવ્યવસ્થિત રીતે ચાલી રહેલાં સરકારી નાણાંની ખાયકીનો ખેલ મહુધા તાલુકામાં કર્મઠ અધિકારીના કારણે પ્રકાશમાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution