વડોદરા, તા.૨૧

થોડા દિવસ પહેલા બનાસકાંઠા અને દ્વારકા જીલ્લા પ્રમુખ બદલવામાં આવ્યા હતા. જે બાદ આજે વધુ બે જિલ્લાના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યુ છે. આજે વડોદરા અને ખેડા જિલ્લાનાં પ્રમુખે રાજીનામું આપ્યું છે. જેથી ભાજપે આ બન્ને જિલ્લાનાં સંગઠન વિખેરી નાખ્યુ હતુ. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. તેમજ વડોદરા જિલ્લાના નવા ભાજપ પ્રમુખ તરીકે કરજણના ભૂતપૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા)ની વરણી કરવામાં આવી હતી.અશ્વિન પટેલે રાજીનામાનું કારણ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા હોવાથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને ભાજપે વાઘોડિયા બેઠક પરથી અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. પરંતુ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે અશ્વિન પટેલનો પરાજય થયો હતો. વડોદરા શહેર જિલ્લાની દસમાંથી વાઘોડિયા એકમાત્ર એવી બેઠક હતી જેમાં ભાજપના ઉમેદવારનો પરાજય થયો હતો. બાકીની નવ સીટ પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા.

જ્યારે તાજેતરમાંજ જિલ્લા ભાજપમાં ભાજપ વિરૂદ્ધ ભાજપનો ગજગ્રાહ ચાલી રહ્યાની ચર્ચા પણ થઈ રહી છે.સાથે ઘારાસભ્યો દ્વારા બરોડા ડેરીના સત્તાઘીશો સામે કરાઈ રહેલા આંદોલન સંદર્ભે પણ સંગઠન દ્વારા મઘ્યસ્થી સહિતની કોઈ ભૂમિકા નહી ભજવતા જિલ્લાનુ સંગઠન વિખેરી નાંખવામાં આવ્યુ હોંવાનુ પણ કહેવાય છે.આજે નવા પ્રમુખે ચાર્જ પણ સંભાળી લીઘો હતો.