અજય વાટેકર / વડોદરા, તા. ૧૭

વાઘોડિયા તાલુકામાં આજવા-નિમેટા રોડ પર રવાલ ગામે આવેલી આઈટીએમ વોકેશનલ યુનિ.માં ત્રણ દિવસ અગાઉ મધરાતે ત્રાટકેલા બુકાનીધારી ચડ્ડી-બનિયનધારી લુંટારાઓએ બંદુકની અણીએ યુનિ.માં ફરજ પર હાજર સિક્યુરીટી ગાર્ડસને માર માર્યા બાદ તેઓને રૂમમાં પુરી દઈને ફિલ્મીઢબે સનસનાટીભરી લુંટ કરી હોવાની વાતે શૈક્ષણીક જગતમાં ભારે ચકચાર મચાવી છે. આ અંગે યુનિ.ના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કરવા માટે વાઘોડિયા પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી કોઈ ફરિયાદ નહી નોંધી સમગ્ર પ્રકરણમાં પોલીસે ભીનુ સંકેલવાનો પ્રયાસ કરતા વાઘોડિયા પોલીસની કામગીરી વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે.

આજવા-નિમેટારોડ પર રવાલ ગામ ખાતે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી આવેલી છે જેમાં અન્ડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાં વર્ગોમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આઈટીએમ વોકેશનલ યુનિ.કેમ્પસમાં હોસ્ટેલ પણ આવેલી હોઈ અને આ સ્થળ એકાંતવાળા વિસ્તારમાં હોઈ વિદ્યાર્થીઓ અને યુનિ.ની દેખરેખ માટે દિવસભર અને રાત્રે સિક્યુરીટી જવાનો તૈનાત હોય છે.

કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ત્રણ દિવસ અગાઉ મધરાતે ચડ્ડી-બનિયનધારી બુકાનીધારી ટોળકીએ આઈટીએમ વોકેશનલ યુનિ. કેમ્પસને નિશાન બનાવીને કેમ્પસમાં ત્રાટકી હતી. લુંટારૂ ટોળકીને જાેઈ સિક્યુરીટી ગાર્ડ સતર્ક બની કોઈ પ્રતિકાર કરે તે અગાઉ ચડ્ડી-બનિયધનધારી ટોળકીએ રિવોલ્વરની અણીએ તમામ સિક્યુરીટી ગાર્ડસને બાનમાં લીધા હતા. લુંટારૂ ટોળકીએ તેઓની લુંટ કરવાની જાણીતા પધ્ધતી મુજબ સિક્યુરીટી ગાર્ડસને પહેલા તો ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેઓને એક રૂમમાં પુરી દઈ રૂમના દરવાજાને બહારથી બંધ કરી દીધા હતા. સિક્યુરીટી ગાર્ડસ આ અંગે યુનિ.ના સત્તાધીશો અને પોલીસને જાણ કરે તે અગાઉ લુંટારૂ ટોળકી સીધી એકાઉન્ટસ વિભાગમાં પહોંચી હતી અને અન્ય કોઈ પણ ચીજવસ્તુને હાથ લગાવ્યા વિના તેઓએ સીધી તિજાેરી અને લોકરની તોડફોડ કરી તેમાંથી રોકડની ચોરી કરી હતી.

આ અંગેની જાણ થતાં સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને મળતી વિગતો મુજબ તેઓએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં પણ જાણ કરી હતી અને તેઓ યુનિ. કેમ્પસ ખાતે દોડી ગયા હતા. જાેકે લુંટની જાણ થયાના આશરે એક કલાક બાદ પોલીસ યુનિ.કેમ્પસ ખાતે પહોંચી હોવાનું કહેવાય છે. બીજીતરફ આ બનાવની ફરિયાદ માટે યુનિ.ના સત્તાધીશોએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ પણ કરી છે પરંતું રિવોલ્વરની અણીએ સંભવિત લાખો રૂપિયાની રોકડની લુંટના બનાવમાં આબરુ બચાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે અને હજુ સુધી વાઘોડિયા પોલીસ મથકમાં આ બનાવની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ અંગે વાઘોડિયા પોલીસે માત્ર ચોરીની ફરિયાદ માટે અરજી મળી છે અને તપાસ ચાલુ છે તેવી રાબેતા મુજબ બહાનું કાઢી સમગ્ર બનાવ પર પડદો પાડવાનો પ્રયાસ કરતા વાઘોડિયા પોલીસની કામગીરી ફરી વિવાદમાં આવી છે.

સેમિસ્ટરના અંતે જમા થયેલી ફી પેટે જંગી રોકડની લૂંટની શંકા

વર્ષનો અંતિમ ડિસેમ્બર મહિનાનો પ્રારંભ થતાં એક વર્ષના અંતિમ અને બીજા સેમેસ્ટર પુરુ થતા આ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની બાકી ફી ઉઘરાવવાની શરૂઆત થઈ છે. આ અંગેની કદાચ લુંટારૂ ટોળકીને જાણ હોવાનું મનાય છે. જે રીતે લુંટ થઈ છે તે જાેતા લુંટારૂ ટોળકીએ કડકડતી ઠંડીમાં યુનિ.ની આસપાસના વિસ્તારમાં રેકી કર્યા બાદ આયોજનબધ્ધ રીતે કેમ્પસમાં ત્રાટકીને લુંટને અંજામ આપ્યો હતો. જાેકે પોલીસ હાલમાં સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે હવામાં બાચકા ભરી રહી છે પરંતું હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી.

ચોરીની અરજી મળ્યાની કબૂલાત છતાં હજુ સુધી ફરિયાદ નહીં

આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ તડવીએ આ બનાવની યુનિ.ના સત્તાધીશોએ ચોરીની તપાસ માટે અરજી આપી છે તેવી કબૂલાત કરી હતી પરંતું હજુ સુધી ફરિયાદ કેમ નથી નોંધાઈ તેની કોઈ સ્પષ્ટતા કરી નહોંતી. આ બનાવમાં રોકડ સાથે કેટલાક મહત્વના દસ્તાવેજાેની પણ ચોરીની વાત વહેતી થઈ છે જે અંગે પીએસઆઈ તડવીએ જણાવ્યું હતું કે બંદુકની અણીએ કે કોઈ દસ્તાવેજાેની ચોરી નથી થઈ માત્ર રોકડની ચોરી થઈ છે. જાેકે કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેનો કોઈ ફોડ નહી પાડતા આ બનાવમાં જંગી રોકડની ચોરીની પણ શંકા સેવાઈ રહી છે.