મુંબઇ:અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના ર્નિણય બાદ વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જાેવા મળી હતી, જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ ૭૩૧ પોઈન્ટ એટલે કે, ૦.૫૭ ટકા ઘટીને ૭૬,૭૭૪ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૪૩ પોઈન્ટ એટલે કે, ૦.૬૯ ટકા ઘટીને ૨૩,૨૩૯ પર ટ્રેડ કરી રહ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ વેચવાલી જાેવા મળી અને સેન્સેક્સ ૭૧૦.૭૦ પોઈન્ટ ઘટીને ૭૬,૭૯૫.૨૬ પર જ્યારે નિફ્ટી ૨૧૧.૭૫ પોઈન્ટ ઘટીને ૨૩,૨૭૦.૪૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.
બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો ૮૭ના લેવલને ક્રોસ કરી ગયો. શુક્રવારે રૂપિયાઓ ૮૬.૬૧ ના સ્તરે બંધ થયો હતો પણ આજે ૪૧ પૈસાના મોટા કડાકા સાથે તે ૮૭.૦૨ પર ઓપન થયો જે ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો છે.
જાેકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડૉલર સામે ૫૫ પૈસા તૂટીને ૮૭.૧૭ના લેવલને ક્રોસ કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર મજબૂત થઇ રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ ૧.૪ ટકાની મજબૂતી સાથે ૧૦૯.૮૪ પર પહોંચી
ગયો છે.
બજારમાં કડાકાને કારણે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગત ટ્રેડિંગ સત્રના રૂા. ૪૨૪ લાખ કરોડથી ઘટીને રૂા. ૪૧૯ લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોને પાંચ મિનિટમાં લગભગ રૂા. ૫ લાખ કરોડનું નુકસાન થયું.
ભારત પર ભારે પડશે ટ્રમ્પનું ‘ટેરિફ વૉર’
અમેરિકન પ્રમુખે પોતાનો ‘ટ્રમ્પ કાર્ડ’ ચલાવ્યો છે. મેક્સિકો અને કેનેડા પર ૨૫ ટકા અને ચીન પર ૧૦ ટકા ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. ત્યારે સોમવારે મોડી સાંજે ટ્રમ્પે મેક્સિકો પર લાદેલો ટેરિફ એક મહિના માટે અટકાવ્યો હતો. જેની અસર વિશ્વના બજાર પર જાેવા મળી હતી.
ટ્રમ્પ ટેરિફ લગાવશે તો ભારત જવાબ આપશે?
ટ્રમ્પની ભારતને ટેરિફની ચેતવણી બાદ તેનો જવાબ આપવા સરકાર વ્યૂહરચના બનાવાઇ રહી છે. વિદેશ, નાણા, વાણિજ્ય, ભારે ઉદ્યોગ અને અન્ય સરકારી એજન્સીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત જવાબ આપશે.