વડોદરા, તા.૧

શહેરમાં રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં ઢોરમાલિકો સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામવામાં આવ્યું છે તેમ છતાં પણ ઢોરમાલિકો દ્વારા લોકોના જીવ જાેખમમાં મુકાય એ રીતે તેમના ઢોર રખડતા મુકે છે. જેના લીધે રસ્તા ઉપર રખડતી ગાયો રાહદારીઓને ભેટી મારવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. ગઈકાલે ગોરવાના વૃદ્ધને ભેટી મારતાં તેમને ફ્રેકચર થયું હતું. જ્યારે આજે ચોખંડી નાની શાક માર્કેટ પાસે જાહેર માર્ગઉપર ભરચક ટ્રાફિકમાં દોડેલી ગાયે એક આધેડને ભેટી મારતાં તેમને ઈજાઓ પહોંચી હતી. આ બનવાને પગલે લોકોમાં રોષની લાગણી પ્રવતર્તી હતી. શહેરના ચોખંડી વિસ્તારમાં જીઇબી ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતાં ફંગોળાઇ ગયા હતા. સીસીટીવીમાં કેદ થયેલાં દૃશ્યોના આધારે પોલીસે આધેડને ભેટીએ ચઢાવનાર ગાયના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃદ્ધને ભેટી મારતાં થાપામાં ફ્રેક્ચર થયું હતું. જાહેરાતો કરી વચનો આપવામાં માહેર ભાજપના હોદ્દેદારો રસ્તા ઉપર રઝળતી ગાયોથી મુક્ત કરાવવામાં ધરાર નિષ્ફળ રહ્યા છે.

ચોખંડી નાની શાક માર્કેટ પાસે એક આધેડ ચાલતા પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી દોડી આવેલી ગાયે ભેટીએ ચઢાવતાં ફંગોળાઇ ગયા હતા. આધેડને ગાયે ભેટીએ ચઢાવતાં જ સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. ગાયની ભેટીથી રસ્તા ઉપર ફંગોળાઇ જતાં ઇજા પામેલા આધેડને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે ગાયના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. ગોરવા પોલીસે ગોરવા વિસ્તારમાં ગાયે ભેટી મારવાની બનેલી ઘટના બાદ ૧૨ ગાય પકડતાં ગૌપાલકોએ પોલીસ સામે બાંયો ચઢાવી હતી. ભાજપા કાર્યાલય ખાતે ગૌપાલકો પહોંચીને ગૌપાલકોની મદદ કરવાની રજૂઆત કરી હતી. ગાયો દ્વારા હુમલાના કિસ્સાઓ રોજ બની રહ્યા છે, પરંતુ શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોથી મુક્ત કરવાની જાહેરાત કરનાર મેયર સહિત પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઠોસ કામગીરી કરવામાં ન આવતાં શહેરીજનોનો વિશ્વાસ ઉચ્ચ હોદ્દા પરથી જાહેરાતો કરી રહેલા રાજકારણીઓ પરથી હવે ઊઠી ગયો છે.