શર્મનાકઃ બિહારમાં મુખ્યમંત્રી ઉદ્ધાટન કરે તે પહેલાં જ પુલ ધરાશાયી
13, ઓગ્સ્ટ 2020

પટણા-

બિહારમાં ફરી એકવાર નવો બંધાયેલો પુલ ઉદ્ઘાટન થાય એ પહેલાંજ ધરાશાયી થઇ જતાં વિપક્ષો નીતિશ કુમારની સરકાર પર તૂટી પડ્યા હતા. આમ જાેઇએ તો મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વિડિયો કોન્ફરન્સ દ્વારા બુધવારે જન્માષ્ટમીએ આ પુલનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. જાે કે ઔપચારિક ઉદ્ઘાટન પૂરું થાય એ પહેલાં પુલ ધરાશાયી થઇ ગયો હતો.

બિહારના ગોપાલગંજ વિસ્તારની આ ઘટના છે. ગોપાલગંજના બંગરાઘાટ મહાસેતુનું મુખ્ય પ્રધાનના હાથે ઉદ્ઘાટન થઇ રહયું હતું. પરંતુ એ પહેલાં એપ્રોર રોડ તરીકે ઓળખાવાયેલો આ પુલ ધરાશાયી થઇ જતાં વિપક્ષો શાસક પક્ષના કહેવાતા ભ્રષ્ટાચાર પર તૂટી પડ્યા હતા.

બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમ દ્વારા આ પુલ બાંધવામાં આવ્યો હતો. સરકારી સૂત્રેાએ એવી દલીલ કરી હતી કે પૂરનાં પાણીનો ધસારો એટલો પ્રચંડ હતો કે નવો નવો બંધાયેલો પુલ એ દબાણને સહન કરી શક્્યો નહોતો. નિગમના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા અને બે જેસીબી મશીન તથા સેંકડો મજૂરોને કામ પર લગાડીને આ એપ્રોચ રોડને કાર્યક્ષમ બનાવવાના યુદ્ધ ધોરણે પ્રયાસો ચાલુ હતા. પુલમાં જે સ્થળે ભંગાણ પડ્યું એ વિસ્તાર સારણના પાનાપુર વિસ્તારની સતજાેડા બજારની નજીક આવેલો છે.

ગોપાલગંજના વૈકુંઠપુરમાં એક સાથે સાત જગ્યાએ સારણ બંધમાં ભંગાણ પડ્યું હતું. બંધ તૂટ્યા બાદ બંગરાઘાટ મહાસેતુ નજીક એપ્રોચ રોડમાં પચાસ મીટર જેટલું બાંધકામ ધરાશાયી થઇ ગયું હતું.

રાજદના નેતા તેજસ્વી યાદવે તક ઝડપીને મિડિયા સાથેની વાતચીત દરમિયાન એવો આક્ષેપ કર્યો હતો કે જનતાના પૈસા આ રીતે વેડફાઇ રહ્યા હતા. રાજ્ય સરકારના બાંધકામ ખાતાએ હલકી જાતનો માલ વાપરીને એપ્રોચ રોડ તૈયાર કર્યો હતો જે ઉદ્ધાટન પહેલાંજ ધરાશાયી થઇ ગયો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution