વડોદરા, તા.૨૯

બે માસ પૂર્વ કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા પિતા-પુત્રને કુરાલી-ગણપતપુરા રોડ પર રાત્રિના સમયે આંતરી ચાકૂની અણીએ રૂા.૧૨ લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયેલી લુંટારુ ગેંગને જિલ્લા એલસીબી બાતમીના આધારે ઝડપી પાડી રૂા.૧૨ લાખનો મુદ્‌ામાલ રિકવર કર્યો છે. ઝડપાયેલા લુંટારુઓ કરજણ, વડોદરા અને અમદાવાદના હોવાનું સપાટી પર આવ્યું છે.

આ અંગે પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના માંજલપુર-અલવાનાકા પાસે ઉમેશભાઈ મૂળજીભાઈ ગાંધી આરના જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. આ જ્વેલર્સના માલિક પિતા-પુત્ર બંને દર રવિવારે દાગીનાના વેપાર માટે તેમના મૂળ વતન પાણેથા ખાતે આવેલ દુકાન પર જતા હોવાથી તેઓ બાઈક લઈને ગત તા.ર૪મી એપ્રિલના રોજ પાણેથા ગયા હતા. દિવસ દરમિયાન વ્યવસાય કરી પિતા મૂળજીભાઈ ગાંધી અને પુત્ર ઉમેશભાઈ ગાંધી રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ બંને બાઈક પર સોનાના દાગીનાનો થેલો લઈને ઘર વડોદરા પરત આવી રહ્યા હતા, તે વખતે કુરાલીથી ગણપતપુરા વચ્ચે કોઈ જાણભેદુ ત્રણ લુંટારુઓ બાઈક ઉપર ધસી આવ્યા હતા અને અંધારામાં પિતા-પુત્રની બાઈકને આંતરી હતી. પિતા-પુત્ર સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી ચાકૂની અણીએ મારી નાખવાની ધમકી આપી તેમની પાસે રહેલા થેલામાં સોના-ચાંદીના ઘરેણાં કિંમત રૂા.૧૨ લાખની લૂંટી લઈ લુંટારુઓ અંધારામાં ફરાર થઈ ગયા હતા.

આ બનાવનો ગુનો કરજણ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી લુંટારુઓનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આ તપાસમાં જિલ્લા એલસીબીની ટીમ પણ જાેડાઈ હતી. એલસીબીની ટીમના હે.કો. ભૂપતભાઈ વિરમભાઈને ચોક્કસ બાતમી મળી હતી. તેઓ ગણપતપુરા-કુરાલ ગામે લુંટારુ આરોપીઓ ભેગા થવાના છે અને આ ગેંગ કરજણ, વડોદરા અને અમદાવાદના હોવાની માહિતી મળતાં એલસીબીની ટીમ ગણપતપુરા-કુરાલી ગામ પાસે વોચમાં ગોઠવાઈ હતી. ગેંગના છ આરોપીઓ આવતાં જ તેમને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા હતા. આ ગેંગમાં રામા ઉર્ફે ટીનો ગોરધન માછી (રહે. કિશનવાડી, વુડાના મકાન, મૂળ રહે. ઝઘડિયા, નાના વાસણા), કિશન રામા ઉર્ફે ટીનો માછી, ઈરફાન કરીમ દીવાન (રહે. કરજણ, લીલોડ), મનીષ ઉર્ફે ભુરિયો કાલીદાસ ખિસ્તી (હાલ રહે. અમદાવાદ-વટવા, મૂળ રહે. કિશનવાડી, વડોદરા), મનોજ ઉર્ફે મનિયો ગંગારામ મારવાડી (રહે. કિશનવાડી, વુડાના મકાન), અર્જુન ઉર્ફે ભોપો સોમા માછી (રહે. કિશનવાડી, વુડાના મકાન, મૂળ રહે. બોરસદ, જિ.આણંદ)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્‌ામાલ રિકવર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં કિશન રામા ઉર્ફે ટીનો માછી સોની પિતા-પુત્ર દર રવિવારે દાગીના લઈને આવે છે તેની જાણકારી ધરાવતો હોવાની વિગત સપાટી પર આવી હતી.