29, ઓક્ટોબર 2020
રાજકોટ-
જામનગર પોલીસ દ્વારા આજ રોજ જયેશ પટેલ ના છ સાગરીતોના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા છ આરોપીઓના વધુ રિમાન્ડની માગણી ન કરવામાં આવતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ સંભળાવ્યો હતો. સાથે જ ગઇકાલે જામનગર પોલીસ સમક્ષ યશપાલ જાડેજા એ આત્મસમર્પણ કરી દેતાં પોલીસે તેની પણ વિધિવત ધરપકડ કરી હતી. આ સાથે જ તેના ભાઈ જશપાલ જાડેજાનો જેલમાંથી કબજો મેળવી યશપાલની સાથે સાથે તેને પણ 20 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે બંનેના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનાની તપાસ કરી રહેલા તપાસનીસ અધિકારી દ્વારા તમામ આરોપીઓને બે બેની ટુકડીમાં જુદી જુદી જેલમાં રાખવામાં આવે તે પ્રકારની અરજી મૂકવામાં આવી હતી. જે સંદર્ભે બંને પક્ષો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.
સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા તપાસનીશ અધિકારીનો પક્ષ રાખતાં નામદાર કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, હાલ બે આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થતાં જામનગરની જેલમાં બંધ છે. ત્યારે આજ રોજ વધુ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલ હવાલે કરવામાં આવનાર છે. ત્યારે જે પ્રકારે તમામ આરોપીઓ સાથે મળીને જામનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં હતા જેના કારણે જ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીકોટ ના કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો આ તમામ આરોપીઓને એક જ જેલની અંદર રાખવામાં આવશે તો તેઓ સંભવત જે પ્રકારે જામનગરમાં સિન્ડિકેટ બની ગુનાઓ આચરતા હતા તે જ પ્રકારે જેલમાં એક સિન્ડિકેટ બનાવી કામ કરી શકે તેમ છે. જે ભવિષ્યમાં આ કેસના ટ્રાયલ સમયે ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે.