સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુમલો કરનાર ૬ની અટકાયત થઈ
12, એપ્રીલ 2022 396   |  

વડોદરા, તા.૧૧

શહેરના સમા ગામ નવીનગરી ખાતે દારૂનો ધંધો કરનાર શખ્સે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના કર્મચારીઓ ઉપર હુમલો કરનાર ટોળા વિરુદ્ધ સમા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ સમા-હરણી પોલીસ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત હુમલામાં સામેલ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને એક ડાયરી, ૪ મોબાઈલ ફોન મળી આવતાં જે કબજે કરવામાં આવ્યા હતા.

શહેરના સમા ગામ નવીનગરીમાં દિલીપ ઉર્ફે લાલો ડામોર દારૂનો ધંધો કરતો હતો, જે અંગેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે બૂટલેગર દિલીપ ડામોરના અડ્ડા ઉપર ખાનગી વાહનમાં પહોંચ્યા હતા અને રેડ કરી હતી જેમાં અડ્ડા ઉપરથી પોલીસે દોઢ પેટી જેટલો દારૂનો જથ્થો જપ્ત કરી બૂટલેગર દિલીપ ઉર્ફે લાલા ડામોરને ઝડપી પાડી વધુ મુદ્‌ામાલની પૂછપરછ સાથે ધોલધપાટ કરતાં મામલો બીચકયો હતો. બૂટલેગરે બૂમાબૂમ કરતાં ઘરમાં હાજર પરિવારજનો અને ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા અને સાદા યુનિફોર્મમાં હોવાથી ગામના લોકો અને બૂટલેગરના સાગરિતો સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓ ઉપર તૂટી પડયા હતા અને પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. પથ્થરમારાને કારણે ખાનગી વાહનના કાચની તોડફોડ કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને પરત જવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, જપ્ત કરેલ મુદ્‌ામાલ પણ લોકો લૂંટી ગયા હતા. આ બનાવની અંગેનો ગુનો સમા પોલીસ મથકે બૂટલેગર સહિત તેના સાગરિતો વિરુદ્ધ નોંધાયો હતો. જેની તપાસ હરણી પોલીસ મથકના પીઆઈ કરી રહ્યા છે. તેમને મુખ્ય આરોપી દિલીપ ઉર્ફે લાલો મનાભાઈ ડામોર, ધીરજ રાજકુમાર પાંડે, રાહુલ ઉર્ફે ભાઠો, રાજુ મારવાડી, ભાયલાલ જયંતી માળી, મંજુલા દિલીપ ડામોર અને ઋષિકા દિલીપ ડામોર

તમામ રહેવાસી સમા નવીનગરીનાઓની અટકાયત કરી પોલીસે ચાર મોબાઈલ ફોન અને ડાયરી કબજે કરી હતી. જાે કે, ડાયરીમાં કોઈ વાંધાજનક લખાણ મળી આવેલ ન હોવાનું પીઆઈએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution