આણંદ, તા.૨૦

આણંદ એસઓજી પેટ્રોલીંગમા હતી તે સમયે શહેરના પ્રાપ્તી સકૅલ નજીક કારમાં આવેલ શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી(અંબરગ્રીસ)ના જથ્થો વેચવા આવ્યાની બાતમી મળતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઇ વડોદરાના ચાર સહિત છ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

એસઓજી દ્વારા સધન પેટ્રોલીંગ હાથ ધરવા સમયે તેઓને બાતમી મળી હતી કે શહેરના ૮૦ ફુટ માર્ગે પ્રાપ્તી સર્કલ નજીક કારનં જીજે ૬ જેએમ ૦૫૦૫માં સવાર કેટલાક શખ્સો દ્વારા વ્હેલમાછલીની ઉલ્ટી (અંબરગ્રીસ)વેચવા આવી રહ્યા છે. બાતમી આધારની કાર નજરે ચઢતાં કોર્ડન કરી કારની તલાશી લીધી હતી. તેમની પાસેથી ૭૩.૬૦ લાખની બજાર કિંમત ની વ્હેલમાછલીની ઉલ્ટી મળી હતી. શખ્સોની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા ૪૧(૧)ડી તથા ૧૦૨ મુજબ શહેર પોલીસ મથકે વડોદરાના ગીરીશ ગાંધી-દાંડીયાબજાર, વિક્રમ પાટડીયા-કારેલીબાગ, મીત ગાંધી-માંજલપુર,મીત વ્યાસ-આજવા રોડ, ધ્રુવિલ પટેલ-બોરીયાવી તથા જેહરભાઇ મન્સૂરી-ખંભાતની અટક કરી હતી. પોલીસે કુલ ૭૬.૨૬ લાખનો કાર સહિત મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. અંબરગ્રીસ નો ઉપયોગ દવાઓ, અત્તર તથા પરફ્યુમ બનાવવામાં મહત્તમ થતો હોય તથા વ્હેલ માછલીના આંતરડામા ઉલ્ટી આકાર લેતી હોય તરતા સોના તરીકે ઓળખ હોય તેની બજાર કિંમત સાત આંકડામા હોય છે. પોલીસે વધુ તપાસ માટે એફએસએલ તથા વનવિભાગને મોકલી આપી હતી.