લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
2277
યુદ્ધ અને આર્થિક સંકટથી ઘેરાયેલા અફઘાનિસ્તાન પર હવે કુદરતી આફત તૂટી પડી છે. છેલ્લા ૧૦ દિવસથી પડી રહેલા અતિભારે વરસાદ, તોફાન અને ભૂસ્ખલનને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. અફઘાનિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ આફતમાં અત્યાર સુધીમાં ૭૭ લોકોના મોત થયા છે અને ૧૩૭થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદને કારણે આવેલા પૂર અને લેન્ડસ્લાઇડમાં અત્યાર સુધીમાં ૭૯૩ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. જ્યારે ૨,૬૭૩ મકાનોને અંશત: નુકસાન પહોંચ્યું છે. આ આફતથી અંદાજે ૫,૮૦૦ પરિવારો પ્રભાવિત થયા છે. રહેણાંક મકાનો ઉપરાંત કૃષિ જમીન, પાણીના કુવાઓ અને સિંચાઈ નહેરોને પણ ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાને કારણે અફઘાનિસ્તાનના મહત્વના હાઈવે બંધ થઈ ગયા છે. કાબુલ-જલાલાબાદ હાઈવે: પાકિસ્તાન સરહદને જાેડતો આ મુખ્ય રસ્તો બંધ થતા વાહનવ્યવહાર ઠપ થયો છે. હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલો સાલંગ પાસ બંધ થવાથી કાબુલનો ઉત્તરીય શહેરો (કુંદુઝ અને મઝાર-એ-શરીફ) સાથેનો સંપર્ક તૂટી ગયો છે.