આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં ધીમી ગતિએ ઘટાડો 
13, ઓગ્સ્ટ 2022

વડોદરા, તા.૨૦

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની પાણીની સપાટીમાં ધીમો ઘટાડો શરૂ થયો છે, જ્યારે વરસાદે વિરામ પાળતાં વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પણ પાણીનું સ્તર ધીમી ગતિએ ઘટી રહ્યું છે, જેના લીધે લોકોએ રાહત અનુભવી છે. વડોદરામાં સોમવારની રાતથી મંગળવારની સવાર સુધી આશરે ૪ ઇંચ જેટલો તેમજ આજવા અને ઉપરવાસમાં આશરે ૬ ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આજવા સરોવરમાં ભારે વરસાદને લીધે એક જ દિવસમાં દોઢ ફૂટ પાણીની સપાટી વધી જતાં અને લેવલ ૨૧૧ ફૂટથી ઉપર જતાં પાણી છોડવા માટેના ૬૨ દરવાજામાંથી વધારાનું પાણી વિશ્વામિત્રી નદી તરફ વહેતું થયું હતું.

વડોદરામાં વરસાદ અને આજવામાંથી પાણી આવતાં વિશ્વામિત્રીમાં પણ જળસ્તર વધવા માંડ્યું હતું, જેના લીધે કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને જરૂરી કામગીરીમાં લાગી ગયું હતું. ગઈ મોડી રાત્રે નદીની સપાટી ૧૫.૭૫ ફૂટ થઈ હતી, જ્યારે આજવા સરોવરમાં સપાટી ૨૧૧. ૫૫ ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. સરકારની ગાઈડલાઈન મુજબ સરોવરમાં ૧૫ ઓગસ્ટ સુધી ૨૧૧ ફૂટથી વધુ પાણી ભરી શકાતું નથી, એટલે વધારાનું પાણી ૬૨ દરવાજાના સેટ કરેલા લેવલ પરથી વહેતાં શરૂ થયા હતા. ગઈકાલથી મેઘરાજાએ વિરામ પાડ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ ન હોવાથી આજવા સરોવરમાં લેવલ આંશિક ઘટ્યું હતું. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લેવલ ૨૧૧.૫૦ ફૂટ હતું. બીજી બાજુ વિશ્વામિત્રીમાં પણ લેવલ ઘટવા માંડ્યું હતું અને ૧૬.૭૫ ફૂટ જાેવા મળ્યો હતો. જાે કે, રાત્રે આજવાની સપાટી ૨૧૧.૪૫ ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી ૧૬ ફૂટ થઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution