05, ઓક્ટોબર 2020
594 |
મહુધા : મહુધા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વર્ષોથી પાલિકામાં અલગ ચેમ્બરમાં બેસતાં સમાજ સંગઠન કર્મીને અચાનક પાલિકાની સામેના શોપિંગ સેન્ટરમાં પાલિકા હસ્તકની વીજળી કનેક્શન વિનાની દુકાનમાં ચેમ્બર ફાળવવામાં આવતાં નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અઢી માસ પહેલાં મહુધા પાલિકાની ચૂંટણી યોજાયા બાદ અપક્ષોના ટેકાથી ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું હતું, પરંતુ અઢી વર્ષ બાદ પ્રમુખની ચૂંટણી યોજાતાં અગાઉ ભાજપને ટેકો આપનાર અપક્ષોએ વિવિધ સમિતિઓના ચેરમેન બનવા માટે કોંગ્રેસને બેસાડી હતી. ત્યારે કોંગ્રેસ સત્તામાં આવ્યાં બાદ તુરંત પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખને બેસવા માટે વર્ષોથી એકાઉન્ટન્ટને ફળવાયેલી ચેમ્બર પર કબજો જમાવી તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે થોડાં દિવસ અગાઉ સમિતિઓની રચના બાદ છેલ્લાં ત્રણ દિવસથી સમાજ સંગઠન કર્મીને તેઓના ફાળવાયેલા ચેમ્બરમાંથી પાલિકાના શોપિંગ સેન્ટરમાં વીજ કનેકશન વિનાની દુકાનમાં બેસાડી દેતાં નગરમાં ભારે ચકચાર મચી છે. સમાજ સંગઠન કર્મી પાસે રોજબરોજ નગરજનોનો ધસારો વધુ હોઇ અને કોરોનાના સંક્રમણની આશંકાએ ચીફ ઓફિસર અમીત પંડ્યા દ્વારા તેઓને પાલીકાના શોપીંગ સેંટરની ખાલી પડેલી દુકાનમાં બેસવા ફરમાવ્યું હોવાની વાત બહાર આવી છે. ત્યારે છેલ્લાં કેટલાંક દિવસથી કામગીરીને લઇ પાલિકાના કેટલાંક કર્મીઓને ચીફ ઓફિસર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઇટ કનેક્શન વિનાની દુકાનમાં સામાન્ય કર્મીને બેસાડવામાં આવતાં નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.