કેટલાકને આખી રાત ઊંઘ ના આવી, કેટલાકે ૧૦-૧૦ મિનિટે ફોન ચેક કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026  |   સુરત   |   2673

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોનું લિસ્ટ ગુરુવારે તા.૯મીએ સાંજે જાહેર થવાનું હતું તેવી વાતો ભારે વાઇરલ થઇ હતી અને તેના કારણે ભાજપના ટિકીટ વાંચ્છુઓ એટલા સ્ટ્રેસમાં આવી ગયા કે ન પૂછો વાત. ભાજપના ઉમેદવારો જાહેર કરવાની વાત ગુરૂવારે સાંજની હતી અને આજે શુક્રવારે રાત્રે સવા આઠ વાગ્યા સુધી ભાજપના પ્રદેશ મોવડીમંડળે સુરતના ઉમેદવારોની નામાવલિ જાહેર ન થતા અનેક ટિકીટ વાંચ્છુની હાલત બગડી ગઇ હતી.

ભાજપના ટિકીટ વાંચ્છુઓની વાત કરીએ તો ગઇકાલે રાતથી આજે મોડી સાંજ સુધી કેટલાક નેતાઓને તો વારેઘડીએ મોબાઇલ ચેક કરવાની એવી ટેવ પડી ગઇ કે તેમના કાર્યકર્તાઓ અને પરીવારજનો પણ કંટાળ્યા હતા. કેટલાક ટિકીટ વાંચ્છુઓ તો એટલા સ્ટ્રેસમાં હતા કે ગુરુવારે આખી રાત શાંતિથી સૂઇ પણ શક્યા નહતા. ભાજપના કાર્યકર્તાઓને વ્હોટસએપ ગ્રુપોમાં ગુરુવારની આખી રાત મેસેજાે અને જુદી જુદી મનઘડંત વાતોના એવા પડીકા ફર્યા કે ઘણા માટે મનોરંજન પણ થઇ ગયું હતું. ગુરૂવારે આખી રાત પસાર કર્યા બાદ આજે શુક્રવારે વહેલી સવારે ટિકીટ જાહેર કરાશે એવી ગણતરીએ ભાજપના કાર્યકર્તાઓથી માંડીને નાના મોટા નેતાઓ, ટિકીટ વાંચ્છુઓ આખો દિવસ મોબાઇલ ફોન અને ટેલિવિઝન સ્ક્રીન સામે ગોઠવાયેલા રહ્યા હતા. જાેતજાેતામાં આખો દિવસ નીકળી ગયો પરંતુ, મોવડીમંડળે સુરતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું નહીં.

સુરત ભાજપાના કાર્યકર્તાઓ, નેતાઓમાં પણ જાતજાતની વાતો વહેતી થઇ હતી અને જાતજાતની અફવાઓ પણ મોટા પાયે ચાલી હતી. સૌથી વધુ ચર્ચા વરાછા રોડ, કતારગામ, પૂણા, કુંભારીયા વગેરે વિસ્તારોમાં જાેવા મળી. કે જ્યાં ભાજપા સામે આમ આદમી પાર્ટીનું જાેર છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ તો ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ વિસ્તારમાં ભાજપા કોને ટિકીટ આપે છે તેના પર ભાજપાના કાર્યકર્તાઓની મીંટ મંડાયેલી છે.

કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે વરાછામાં ભાજપા ટિકીટ આપવામાં એકાદ બે ભૂલો કરશે તો તેને કારણે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થશે. ભાજપા મોવડીમંડળ તેમજ સ્થાનિક નેતાઓથી પાયાના કાર્યકર્તાઓમાં ખાસ્સી નારાજગી જાેવા મળી રહી હોઇ, સમગ્ર શહેરમાં સૌથી વધુ ઉત્તેજના વરાછા વિસ્તારના ઉમેદવારોની નામાવલી બાબતે જાેવા મળી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution