નવી દિલ્હી

સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના યુઝર્સના ડેટા લીક થવાનો નવો કેસ સામે આવ્યો છે. પરંતુ આ વખતે ફક્ત વપરાશકર્તાઓ જ નહીં, પરંતુ ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગનો પણ ડેટા લીક થઈ ગયો હોવાની વાત સામે આવી છે. અને આમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલનો (Signal) ઉપયોગ કરે છે. ફેસબુકનો ડેટા લીક થયા પછી આ ખુલાસો થયો છે.

માહિતી અનુસાર ફેસબુક વપરાશકર્તાઓના જે ડેટા લીક કરવામાં આવ્યા છે, તેમાં સીઇઓ માર્ક ઝુકરબર્ગનો મોબાઇલ નંબર પણ હતો. 53 કરોડથી વધુ યુઝર્સના વ્યક્તિગત ડેટા આ વખતે લીક થયા છે. જેમાં લગભગ 60 લાખ ભારતીય વપરાશકર્તાઓનું લીસ્ટ છે. ડેટા લીકમાં વપરાશકર્તાની ID, મોબાઇલ નંબર, ઇમેઇલ ID, સ્થાન, જન્મ તારીખ અને મેરિટલ સ્ટેટસ જેવી વિગતો શામેલ છે.

ફેસબુકના આ ડેટા લીકમાં માર્ક ઝુકરબર્ગનો મોબાઈલ નંબર પણ લીક થયો છે. જેનાથી સરળતાથી ખબર પડી જાય છે કે તેઓ કઈ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઝુકરબર્ગ તેના લીક થયેલા નંબરથી સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. સુરક્ષા નિષ્ણાત ડેવ વોકર (Dave Walker) એ સ્ક્રીન શૉટ દ્વારા ટ્વિટર પર માર્ક ઝુકરબર્ગના લીક થયેલા નંબરને દર્શાવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ઝુકરબર્ગ પણ Signal પર છે.

ફેસબુક વપરાશકર્તાઓમાં ડેટા લીકમાં ફેસબુકના સહ-સ્થાપક ક્રિસ હ્યુજીસ (Chris Hughes) અને ડસ્ટિન મોસ્કોવિટ્ઝમાં (Dustin Moskovitz) ની માહિતી પણ શામેલ છે. રીપોર્ટ અનુસાર આ ડેટા 2020 માં લીક થયા હતા. ફેસબુકમાં બગને લીધે, વપરાશકર્તાઓના મોબાઇલ નંબર ફેસબુક એકાઉન્ટથી જોવા મળી રહ્યા હતા. ફેસબુકએ આ બગને ઓગસ્ટ 2019 માં ઠીક કર્યું હતું.

ફેસબુક પરથી ડેટા લીકનો વિવાદ જુનો છે. ગયા વર્ષે જ WhatsAppની પ્રાઈવસીને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ WhatsApp પોતાની પ્રાઈવસી પોલીસીને લઈને જાગૃતિ ફેલાવવા અને લોકોને અપ્રૂવ કરાવવા માટે નવા નવા હથકંડા અપનાવી રહ્યું છે. આવામાં ઝુકરબર્ગના સિગ્નલ વાપાર્વાના સમાચારથી નવો વિવાદ સર્જાયો છે.