અમદાવાદ-

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આજથી એટલે કે, ગુરૂવારથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. ત્યારે આજે સુરતની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓ હસતા મોઢે પ્રવેશતા જોવા મળ્યા હતા. સાથે સાથે સ્કૂલમાં આવતા જ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં આવેલી મા શારદાની પ્રતિમા પાસે જઈને પ્રાર્થના કરી હતી.

11 મહિના ઘરે રહ્યા બાદ ગુરુવારે ધોરણ 6 અને 8ના વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે. 11 મહિના બાદ તેઓ પોતાના મિત્રોને મળશે પણ કોરોના હજુ સુધી ગયો નથી. તો હવે સ્કૂલો દ્વારા કઈ રીતે વિદ્યાર્થીઓને સલામત રખાશે? વિદ્યાર્થીઓ આટલા સમય પછી સ્કૂલમાં જતા હોવાથી તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કઈ રીતે કરશે? તેવો પ્રશ્ન પણ ઉભો થયો છે. સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં ઝીગ-ઝેગની જેમ બેસાડવામાં આવી રહ્યા છે. હાલ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળી રહી છે.કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદથી શિક્ષણકાર્ય સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ સુધરતા તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવી રહી છે. ત્યારે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન સાથે સુરતની શાળાઓમાં ધો.6 અને 8નાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.