વડોદરા, તા.૫

વિધાનસભા ચૂંટણી પછી વિધાનસભાનું બજેટસત્ર પૂરું થયા બાદ શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર થાય તેવી કેટલાક સમયથી ચાલતી અટકળો વચ્ચે પ્રદેશ સંગઠનમાં ફેરફારથી ભાજપ મોરચે અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. મધ્ય ગુજરાતના પ્રદેશ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટને હોદ્દા પરથી દૂર કરાયા હતા. એકાએક ભાર્ગવ ભટ્ટને હોદ્દા પરથી દૂર કરવાનું સાચું કારણ શું? તેની અટકળો ભાજપ મોરચે શરૂ થઈ છે.

વિધાનસભા ચૂંટણી બાદ છેલ્લા કેટલાક સમયથી શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર થાય તેવી અટકળો ચાલી રહી હતી. ત્યાં આજે એકાએક પાછલાં કેટલાંક વરસોથી મધ્ય ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને તેમના પદ પરથી દૂર કરાતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. ભાજપના સૂત્રો દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી શકી નથી. પરંતુ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને હોદ્દા પરથી દૂર કરવાનું સાચું કારણ શું? તે અંગે ભાજપ મોરચે અનેક અટકળો શરૂ થઈ છે. તો બીજી તરફ સંગઠનમાં નારાજગી કે અન્ય કોઈ કારણ તે અંગેની ચર્ચા પણ થઈ રહી છે.જાે કે, બીજી તરફ સિનિયર આગેવાનોને હોદ્દા પરથી દૂર કરવા પાછળ નિષ્ક્રિયતા સહિતના મુદ્દાઓ ચર્ચામાં છે. ત્યારે ચાર પ્રદેશ મહામંત્રીઓ પૈકી એક મહામંત્રીની પોસ્ટ ખાલી પડી છે. ત્યારે વડોદરામાંથી કોઈ આગેવાનની પસંદગી થાય છે કે મધ્ય ગુજરાતના અન્ય જિલ્લામાંથી કોઈ આગેવાનની તે જાેવાનું રહ્યું. જ્યારે ભાર્ગવ ભટ્ટને સંગઠનમાં અન્ય કોઈ જવાબદારી અપાય છે કે પછી બોર્ડ-નિગમમાં મુકવામાં આવશે તેવી ચર્ચા પણ ભાજપના વર્તુળોમાં થઈ રહી છે.

ચૂંટણી બાદ આઠ જિલ્લામાંથી ભારે વિરોધ ઊભો થયાનું અનુમાન

વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ મધ્ય ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી વિરોધ ઊભો થયો હોવાનું અનુમાન સાથે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને પદ પરથી મુક્ત કરાયા હોવાની ચર્ચા ભાજપ મોરચે શરૂ થઈ છે. તો બીજી તરફ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનમાં ફેરફારની શરૂઆત કરાઈ હોવાની અટકળો પણ શરૂ થઈ છે.

કોઈ ઓડિયો ક્લીપ વહેતી થઈ હોવાની ચર્ચા

ગુજરાત પ્રદેશ ભાજપના મધ્ય ગુજરાતના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પદ પરથી દૂર કરાયા તેની પાછળ કોઈ ઓડિયો ક્લીપ વાયરલ થઈ હોવાની પણ ચર્ચા ભાજપ વર્તુળોમાં થઈ રહી હોવાનું જાણવા મળે છે. ત્યારે કથિત વહેલી થયેલી ઓડિયો ક્લીપ કઈ તે અંગેની ચર્ચા ભાજપના અગ્રણીઓમાં શરૂ થઈ છે.

વડોદરા અને મહામંત્રી પદને ૩૬નો આંકડો કેમ?

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ભાર્ગવ ભટ્ટ પૂર્વે પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ બાળકૃષ્ણ શુક્લ અને ત્યાર પછી ભાર્ગવ ભટ્ટે સફળ કામગીરી કરી છે અને મધ્ય ગુજરાત સામાન્ય રીતે ભાજપનો ગઢ મનાય છે અને એકાદ ચૂંટણીને બાદ કરતાં સર્વાધિક બેઠકો ભાજપ અહીંથી જીતે છે. ત્યારે વડોદરા અને મહામંત્રીપદને ૩૬નો આંકડો કેમ? તેની ચર્ચા પણ હવે ભાજપ મોરચે થઈ રહી છે.