પેગાસર ફોન ટેપિંગ મામલે CM વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યુ..
20, જુલાઈ 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેગાસસ મામલે ખોટો વિવાદ ઉભો કરનારા વિપક્ષની દેશવિરોધી માનસિકતાની આકરી આલોચના કરી છે.તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, વિદેશી તાકતોનો હાથો બની કોંગ્રેસ ભારતની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહી છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ઉછાળવાનું કૃત્ય વિપક્ષની દેશવિરોધી માનસિકતા છતી કરે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે ઘણા દાયકા સુધી સત્તા ભોગવી છે, આથી હવે જેમ પાણી વગર માછલી તરફડે તેમ સત્તા વગર તરફડી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ખરડી સત્તામાં ફરી આવવા વલખા મારી રહી છે પણ કોંગ્રેસની મેલી મુરાદ બર આવવાની નથી.મુખ્યમંત્રી વિજયએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે સંસદમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓનો પરિચય આપવાનો શિરસ્તો નિભાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે દખલ પહોંચાડીને સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે. કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી વિપક્ષ તરીકેની રચનાત્મક ભૂમિકા ભજવવાને બદલે મોદીજીના વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ફોન ટેપીંગનો મુદ્દો જે એજન્સીએ ઉઠાવ્યો છે તેણે પેગાસસ સોફ્ટવેર ભારતમાં યુઝ થયો હોય કે સોફ્ટવેરના ડેટાનો વપરાશ થયો હોય તેવા પુરાવા આપ્યા નથી. દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે ૪૫ દેશ કથિત રીતે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ભારત, કે જેણે પેગાસસનો ઉપયોગ કરવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે તેને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને બાકીના દેશો આમાં ક્યાંય ચિત્રમાં જ નથી. 

તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ સહિત વિપક્ષ ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવવા, રાફેલ ડીલનો અપપ્રચાર, કૃષિ કાયદા વિરુદ્ધ પ્રચાર જેવા કૃત્યો કરી ચૂક્યું છે. ભારતના ટુકડે-ટુકડે કરવાના નારા લગાવનારી ગેંગ, સેનાને બદનામ કરવા વાળી અર્બન નક્સલ ગેંગ, આતંકવાદી અફઝલની ફાંસી પર સુપ્રીમ કોર્ટને હત્યારી કહેવા વાળી ગેંગ, આવી અનેક રાષ્ટ્રવિરોધી ગેંગના લોકોની સમર્થ-ચિંતક તેઓ રહ્યા છે. આ જ વિપક્ષનું ચરિત્ર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતના વિકાસને અમુક ચોક્કસ તાકાતો દ્વારા ખતરા તરીકે જોવામાં આવે છે. સંસદના ચોમાસુ સત્ર પૂર્વે ઊઠેલો આ વિવાદ ફ્કત એક યોગાનુયોગ નથી પણ આત્મનિર્ભર બની રહેલા ભારત દેશ વિરુદ્ધ બદલાની ભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે, ૨૦૧૩માં એક આર.ટી.આઇના જવાબમાં યુ.પી.એ સરકારે દર મહિને 9 હજાર ટેલીફોન અને 500 ઇ-મેઇલ એકાઉન્ટ પર નજર રખાતી હોવાનો સ્વીકાર્યું હતું. તાજેતરમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારનું ફોન ટેપીંગ પ્રકરણ પણ સામે આવ્યું હતું. ભારતની છબીને ખરડવા સાવ નકલી અને મનઘંડત જાસૂસી પ્રકરણ વિપક્ષે ઉભું કર્યું છે.  

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution