30, જુલાઈ 2025
રાજપીપલા |
6732 |
શિક્ષણ અને સુરક્ષાને વેગ : SOU ઓથોરિટી દ્વારા ૧૯ ગામના ૨૫૦ બાળકોને થશે લાભ
ગુજરાત સરકારના શિક્ષણના દ્રષ્ટિકોણને આગળ વધારતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (Statue of Unity Authority - SoUA) દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. SoUA ના ચેરમેન મુકેશ પૂરીના માર્ગદર્શન હેઠળ ઓથોરિટી વિસ્તારના ૧૯ ગામોના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ પહેલથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને નિયમિત શાળા પરિવહનની સુવિધા મળશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
મહાનુભાવો દ્વારા બસ સેવાને પ્રસ્થાન
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે શ્રીફળ વધેરીને અને બાળકોનું મોઢું મીઠું કરાવીને બસને શાળાએ રવાના કરી હતી. પ્રારંભિક દિને ૧૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો.
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ગરુડેશ્વર તાલુકાના ઓથોરિટી વિસ્તારમાં આવનારા ૧૯ ગામના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ હવે આરામદાયક, સુરક્ષિત અને નિયમિત રીતે શાળાએ જઈ શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શિક્ષણથી કોઈ વિદ્યાર્થી વંચિત ન રહે એ દૃષ્ટિએ આ પહેલ એક અનોખું પગલું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડો. દેશમુખે ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ સમાજના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યું છે. આ પહેલથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, તેઓ શાળાએ સમયસર પહોંચશે, અભ્યાસમાં નિયમિતતા આવશે અને તેમના સમયનો ઉત્તમ ઉપયોગ થવાથી એકાગ્રતા પણ વધશે. આ તકે તેમણે બાળકોના શૈક્ષણિક હિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલી આ પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સમગ્ર ટીમ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈ-બસ સેવાની વિગતો અને સુરક્ષાના પાસાં
આ પહેલ અંતર્ગત દરરોજ સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૬:૦૦ દરમિયાન AC ઈ-બસ સેવા આપવામાં આવશે. કુલ ૫ ઈલેક્ટ્રિક બસોની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, દરેક બસમાં તાલીમપ્રાપ્ત ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે.
પ્રારંભિક તબક્કે, આ સેવા પાંચ શાળાઓમાં શરૂ કરવામાં આવી છે, જેમાં ગોરા ખાતેની શ્રી જય જ્યોતિ બાલિકા વિદ્યાલય, પિન્ટુલાલા વિદ્યામંદિર બોરિયા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગરૂડેશ્વર, માધ્યમિક શાળા એકતાનગર અને રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળા નવાગામનો સમાવેશ થાય છે.
સકારાત્મક પરિણામો અને ભવિષ્યનો દ્રષ્ટિકોણ
આ નોંધપાત્ર પહેલથી વાલીઓએ શાળાઓ અને સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પહેલના પરિણામરૂપ શાળાની હાજરીમાં વધારો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો નોંધાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓએ પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સગવડથી તેઓ સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે. AC બસ સેવા મળવાથી શાળાએ જવા વધુ ઉત્સાહ સાથે જઈશું અને હવે અભ્યાસમાં અવરોધ નહીં આવે. આ સફર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સુંદર સ્થળો જોવાનો પણ લાભ મળશે. ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ માત્ર સેવાનું ઉદાહરણ નથી, પણ ભવિષ્યના ભારત માટેના સરકારના દૃષ્ટિકોણનું જીવંત પ્રતીક છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત ગરૂડેશ્વરના પ્રમુખ માકતાભાઇ વસાવા, જીલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઇ તડવી, તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઇ તડવી, અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા, નારાયણ માધુ, નાયબ કલેકટર દર્શક વિઠલાણી, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, શાળા પરીવાર અને SoU પરીવારના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.