ઉત્તરાયણ પૂર્વે શેરબજારનો પતંગ કપાયો: ૧૧૦૦ પોઇન્ટનું ગાબડું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જાન્યુઆરી 2025  |   5841


મુંબઇ:સપ્તાહના પ્રથમ દિવસ જ રોકાણકારો માટે માઠા સમાચાર લઇને આવ્યો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીમાં ઘટાડો જાેવા મળ્યો હતો. જે ટ્રેડિંગના અંત સુધી યથાવત્‌ રહ્યો હતો. બંધ થવાના સમયે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૧,૦૪૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૩૩૦.૦૧ પર બંધ થયંુ હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ૩૪૫.૫૫ પોઈન્ટ ઘટીને ૨૩,૦૮૫.૯૫ પર બંધ થયું હતું. અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓ તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ ઈન્ટ્રા ડે ૧૧૨૯.૧૯ પોઈન્ટ તૂટી ૭૬૨૪૯.૭૨ થયો હતો. આ સાથે રોકાણકારોના ૧૨.૫૨ લાખ કરોડ ડૂબ્યાં છે. બીએસઈ ખાતે ૭૦૦થી વધુ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે ૫૦૮ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં.

સેન્સેક્સ આજે અંતે ૧૦૪૮.૯૦ પોઈન્ટ તૂટી ૭૬૩૩૦.૦૧ પર અને નિફ્ટી ૩૪૫.૫૫ પોઈન્ટ તૂટી ૨૩૦૮૫.૯૫ પર બંધ રહ્યો હતો. અમેરિકાના જાેબ ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત નોંધાતા ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોલર સામે રૂપિયો પણ તળિયે ઝાટક થયો છે. વધુમાં વૈશ્વિક સ્તરે મોટાભાગના શેરબજારમાં ઘટાડાની અસર પણ સ્થાનિક બજારમાં જાેવા મળી હતી.

આજે બજારમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની નબળાઈ, વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે બજારનો મૂડ બગાડ્યો હતો. અહેવાલ અનુસાર બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ રૂા. ૧૩ લાખ કરોડનું નુકસાન થયું છે.

આજે ફક્ત મુખ્ય સૂચકાંકોમાં જ નહીં, પરંતુ સમગ્ર બજારમાં વેચવાલી જાેવા મળી હતી. આના કારણે નુકસાનનો આંકડો પણ વધ્યો હતો. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બજારમાં ઘટાડો જાેવા મળ્યો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છેકે, આજના ઘટાડા પછી બજારનો ભવિષ્યનો માર્ગ શું હશે? નિષ્ણાતો કહે છેકે, શેરબજારમાં રિકવરી ધીમી રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. જેને ધ્યાનમાં રાખીને રોકાણકારો સાવચેત રહી રહ્યા છે. ટ્રમ્પના રાજ્યાભિષેક પછી બજાર માટે આગામી ટ્રિગર ૧ ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ ૨૦૨૫ હશે.

હાલમાં બજારમાં વધઘટ રહેશે. ચોથા ક્વાર્ટરથી થોડી સ્થિરતાની અપેક્ષા રાખી શકાય. હાલમાં રોકાણકારોએ લાંબા ગાળા માટે ફક્ત પસંદગીના શેરો પર જ દાવ લગાવવો જાેઈએ.

સ્મૉલકૅપ ઈન્ડેક્સ ૨૦૦૦થી વધુ પૉઈન્ટ તૂટ્યો

બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૨૧૮૦.૪૪ પોઈન્ટ તૂટ્યો હતો. ઈન્ડેક્સમાં સામેલ ૯૩૮ શેર પૈકી ૮૯૯ શેરમાં ૨૦ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. ઈન્ડેક્સ ૪.૧૭ ટકા તૂટ્યો છે. મીડકેપ સેગમેન્ટમાં ક્રિસિલ, બાયોકોન, આદિત્ય બિરલા કેપિટલ, સ્ટાર હેલ્થમાં ૦.૪૯ ટકાથી ૨ ટકા સુધી સુધર્યા છે.

રિયાલ્ટી શેર્સે રોકાણકારોને રોવડાવ્યાં

ઈન્ડેક્સમાં સામેલ તમામ સ્ક્રિપ્સ ૧૦ ટકા સુધી તૂટી હતી. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૬.૫૯ ટકા તૂટ્યો હતો. રિયાલ્ટી શેર્સમાં ગાબડું નોંધાવા પાછળનું કારણ લોનના ઊંચા દરો યથાવત રહેવાની શક્યતાઓ છે. આ સિવાય પાવર ઈન્ડેક્સ ૪.૨૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૨૪ ટકા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ ૩.૧૯૬ ટકા, કેપિટલ ગુડ્‌સ ૩.૫૮ ટકા, મેટલ ૩.૧૭ ટકા તૂટ્યો છે.

રૂપિયો ઓલટાઈમ લૉ ઃ ૩૭ પૈસાના કડાકા સાથે ૮૬.૪૧ની સપાટીએ

શેરબજારની સાથે સાથે રૂપિયામાં પણ મંદીનું જાેર વધ્યું છે. આજે રૂપિયો ફરી એક વખત ડોલર સામે ૩૭ પૈસા તૂટી ૮૬.૪૧ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો છે. ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ૩૭ પૈસા તૂટી ૮૬.૪૧ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ફોરેન એક્સચેન્જ ખાતે રૂપિયો આજે ડોલર સામે ૮૬.૧૨ના સ્તરે ખૂલ્યા બાદ ઘટી ૮૬.૪૧ થયો હતો. જે શુક્રવારે ૮૬.૦૪ પર બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પણ ૧.૪૪ ટકા વધી ૮૦.૯૧ ડોલર પ્રતિ બેરલ થયું છે. જેણે રૂપિયા પણ ફુગાવાનું પ્રેશર વધાર્યું છે. રૂપિયાની વધતી નબળાઈ દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો સર્જી શકે છે. ક્રૂડના વધતાં ભાવો અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં ૮૦ ટકા આયાત પર ર્નિભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી પાછા આસમાને પહોંચી શકે છે.

ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તરે

ડિસેમ્બરમાં દેશમાં છૂટક ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તરે ૫.૨૨ ટકા પર પહોંચી ગયો. નવેમ્બરમાં આ દર ૫.૪૮ ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આ ઘટાડો થયો છે. સરકારે સોમવારે આ અંગેના આંકડા જાહેર કર્યા. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય હેઠળના ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો ૮.૩૯ ટકા હતો. જ્યારે નવેમ્બરમાં તે ૯.૦૪ ટકા અને ડિસેમ્બર ૨૦૨૩માં ૯.૫૩ ટકા હતો. સીએસઓના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સામાન્ય) અને ખાદ્ય ફુગાવો બંને છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચા સ્તરે હતા. ભારતીય રિઝર્વ બેંકે ગયા મહિને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ફુગાવાનો અંદાજ ૪.૫ ટકાથી વધારીને ૪.૮ ટકા કર્યો હતો. કેન્દ્રીય બેંકે એવી પણ આગાહી કરી હતી કે, ખાદ્ય પદાર્થોના ભાવ પર દબાણને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એકંદર ફુગાવો ઊંચો રહેશે. ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત એકંદર ફુગાવો જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સરેરાશ ૩.૬ ટકાથી વધીને સપ્ટેમ્બરમાં ૫.૫ ટકા થયો અને ઓક્ટોબરમાં ૫.૪ ટકા, ૨૦૨૪માં તે ૬.૨ ટકા હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution