લોન રિકવરી એજન્ટના ત્રાસથી આત્મહત્યા
20, નવેમ્બર 2022

વડોદરા, તા.૧૯

શહેરના માંજલપુર જીઆઈડીસી મસ્જિદ પાસે આવેલ રામદેવનગરમાં રહેતા અને સાઈકલ રિપેરિંગની દુકાન ચલાવતા આધેડે લીધેલી બેન્ક લોનના હપ્તાની પઠાણી ઉઘરાણી મામલે માનસિક ડિપ્રેશનમાં આવી જઈને પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખ્યું છે. આપઘાતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતકના પરિવારજનોએ બેન્કના રિકવરી એજન્ટના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જાે કે, હજુ સુધી પોલીસના ચોપડે બેન્કના રિકવરી એજન્ટના ત્રાસની ફરિયાદ કે ગુનો નોંધાયો ન હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ પર મસ્જિદની બાજુમાં રામદેવનગરમાં કિશોરભાઈ પાલજીભાઈ સોલંકી (ઉં.વ.પર) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ નવભારત સાઈકલ માર્ટ નામની સાઈકલ રિપેરિંગની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ગત રાત્રે દુકાન બંધ કરી રહસ્યમય સંજાેગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ રામદેવનગરમાં થતાં સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. ત્યાર બાદ માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, બેન્કના લોનના હપ્તા ચાલતા હતા, જે હપ્તા ન ભરતાં રિકવરી એજન્ટ દર મહિને ઉઘરાણી માટે આવતો હતો અને પઠાણી ઉઘરાણી કરી ઘરને સીલ મારી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આ આક્ષેપોના આધારે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution